મોરબી જિલ્લામાં ઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવાતી ગ્લુ-ટ્રેપ (ચીકણી જાળ)ના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની ભલામણ અને ગુજરાત હાઈકોર્ટના આદેશના અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચરે જાહેરનામું બહાર પાડી સમગ્ર જિલ્લામાં આ પ્રતિબંધ અમલમાં મૂક્યો છે.
મળતી માહિતી અનુસાર, ગ્લુ-ટ્રેપ, ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે ઓળખાતી જાળમાં ઉંદર તેમજ અન્ય નાના જીવો ફસાઈ જતા હોય છે. ફસાયેલા પ્રાણીઓને લાંબા સમય સુધી ભારે પીડા અને વેદના સહન કરવી પડતી હોવાથી તેને અમાનવીય પદ્ધતિ ગણવામાં આવે છે. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડે પણ આ પ્રકારની જાળ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતામાં આવતી હોવાનું સ્પષ્ટ કર્યું છે. જાહેરનામા મુજબ મોરબી જિલ્લામાં કોઈપણ વ્યક્તિ, વેપારી, ડીલર અથવા સંસ્થા ગ્લુ-ટ્રેપનું ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ કરી શકશે નહીં. આ આદેશ 19 જુલાઈ, 2026 સુધી અમલમાં રહેશે. વહીવટી તંત્રે ચેતવણી આપી છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદા મુજબ શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાણી કલ્યાણ અને જીવદયા સંબંધિત નિયમોના પાલન માટે તમામ સંબંધિત વિભાગોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.






