મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ફરાર આરોપી તેમજ ભોગ બનનારને શોધી કાઢવામાં મોરબી એસઓજી ટીમને મોટી સફળતા મળી છે. લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં નોંધાયેલા અપહરણના ગુનાઓમાં ભોગ બનનાર અને આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એસઓજી મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સતત વોચ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એસઓજી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એ-પાર્ટ ગુનો રજીસ્ટર નંબર 2634/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) અને 87 મુજબના ગુનાની તપાસ આગળ વધારવામાં આવી હતી. મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાથે રાખીને ટીમે ભોગ બનનાર તેમજ ગુનામાં પકડવા પરના બાકી આરોપી નિતિનભાઈ ઉર્ફે નિક ગંગારામભાઈ પરમાર (ઉ.વ. 26), રહે. બાદનપર, તાલુકો અને જિલ્લો મોરબીને શોધી કાઢ્યો હતો. એસઓજી ટીમે આરોપી અને ભોગ બનનારને સુરક્ષિત રીતે હસ્તગત કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી માટે બંનેને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) મોરબીને સોંપ્યા છે. મોરબી જિલ્લામાં અપહરણના ગુનાઓને ઉકેલવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન કામગીરી વચ્ચે એસઓજીની આ કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.






