ઇજાગ્રસ્ત તાલુકા પંચાયત સદસ્ય સહિત બે લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો, બબ્બે રાજકીય આગેવાનો સહિત પાંચના મોતથી પંથકમાં શોક.
હળવદ તાલુકાના ચરાડવા નજીક ડમ્પર પાછળ કાર ઘૂસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વધુ બે ઇજાગ્રસ્તોના મોત થતા કુલ મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે. અકસ્માતમાં તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય અને ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિતના આગેવાનો ભોગ બનતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.
હળવદ તાલુકાના ચરાડવા નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં વધુ બે લોકોના સારવાર દરમિયાન મોત થતા મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે. આ અકસ્માતે સમગ્ર હળવદ પંથકને શોકમગ્ન બનાવી દીધું છે.
મળતી માહિતી મુજબ માનસર નજીક બાઈક સ્લીપ થતા અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા પરેશભાઈ દઢૈયાને સારવાર માટે કારમાં મોરબી લઈ જવાઈ રહ્યા હતા. તે દરમિયાન ચરાડવા નજીક પૂરપાટ ઝડપે જતી કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બે જેસીબીની મદદ લેવી પડી હતી.
આ અકસ્માતમાં કારમાં સવાર સાત લોકોમાંથી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સુરેશભાઈ શિહોરા (૪૫), વિરમભાઈ દઢૈયા (૨૮) અને અગાઉથી ઇજાગ્રસ્ત પરેશભાઈ દઢૈયા(૨૪)ના મોત નિપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ભરતભાઈ દઢૈયા અને પ્રેમજીભાઈ દઢૈયા, જે રણછોડગઢ બેઠકના તાલુકા પંચાયત સદસ્ય હતા, તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં પ્રકાશભાઈ દઢૈયા, જે રણછોડગઢ ગ્રામ પંચાયતના ઉપસરપંચ છે, તેમજ દિલીપભાઈ દઢૈયા હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. એક સાથે પાંચ લોકોના મોત, જેમાં રાજકીય અને સામાજિક આગેવાનોનો સમાવેશ થતાં સમગ્ર હળવદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.






