ફૂલ સ્પીડમાં આવેલી સફેદ કલરની થાર કાર પાછળથી અલ્ટો કારને હડફેટે લઈ ફરાર: મહિલાને પગ અને પાસળીમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા.
મોરબીના નેક્સસ સિનેમા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં અજાણી સફેદ થાર ગાડીએ અલ્ટો કારને પાછળથી ટક્કર મારતા કારમાં બેઠેલ મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી થાર કાર ચાલક સ્થળ પરથી પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી શહેરમાં રહેતો પરિવાર અલ્ટો કારમાં ગાંધીધામથી પરત ફરી રહ્યો હોય ત્યારે નેક્સસ સિનેમા નજીક તેઓને અકસ્માત નડ્યો હતો. ત્યારે હિટ એન્ડ રન અકસ્માતના બનાવ અંગે પ્રવિણભાઈ બાબુભાઈ ભીલા ઉવ.૫૫ રહે. ક્રિષ્ના સોસાયટી સરદાર બાગ પાછળ મોરબી મૂળ બગથળાના વતનીએ મોરબી તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ મુજબ પ્રવિણભાઈ પોતાના પત્નિ કલ્પનાબેન અને પુત્ર આર્યન સાથે ગાંધીધામથી અલ્ટો કાર નં. જીજે-૩૬-બી-૦૭૬૭માં મોરબી આવી રહ્યા હતા. બપોરના અંદાજે એક વાગ્યે તેઓ નેક્સસ સિનેમા નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી સફેદ કલરની થાર ગાડીએ તેમની કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના કારણે અલ્ટો કાર રોડની સાઇડમાં ઉતરી ગઈ હતી. કારની પાછળની સીટમાં બેઠેલ કલ્પનાબેનને જમણા પગ તેમજ પાસળીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી થાર ગાડીનો ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે આરોપી અજાણી સફેદ કલરની થાર ગાડીના ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગીનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






