રિપેરિંગ માટે ગેરેજમાં મુકાયેલી કાર તસ્કરો ઉઠાવી ગયા, જ્યારે ઘર પાસે પાર્ક કરેલ બાઈકની પણ ચોરી થઈ.
મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં વાહન ચોરીના બે અલગ અલગ બનાવો સામે આવ્યા છે. જેમાં એક બનાવમાં ગેરેજ પર રિપેરિંગ માટે મુકાયેલી હ્યુન્ડાઈ કાર ચોરી થઈ હતી જ્યારે અન્ય બનાવમાં ઘર બહાર પાર્ક કરેલ હિરો સ્પ્લેન્ડર બાઈક તસ્કરો ઉઠાવી ગયા હતા. બંને મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં વાહન ચોરીની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં ચોરીની પ્રથમ ફરિયાદમાં ચંદ્રકાંતભાઈ બાલુભાઈ ઉઘરેજા ઉવ.૪૪ રહે.બેલા(રં) વાળાની હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ-૧૦ કાર રજી.નં. જીજે-૩૬-બી-૪૦૦૩ ગેરેજમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ ગત તા.૦૧/૦૬ના રોજ ચંદ્રકાંતભાઈ પોતાના ગામથી મોરબી આવતા હોય ત્યારે કાર બંધ પડી જતા તેઓએ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ જય અંબે મોટર્સ ગેરેજમાં રિપેરિંગ માટે કાર મુકી હતી. જે બીજા દિવસે તા.૦૨/૦૬ના રોજ સવારે કાર લેવા પહોંચતા ગેરેજ માલિકે રાત્રિના સમયે કોઈ અજાણ્યો શખ્સ કાર લઈ ગયો હોવાનું જણાવ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
જ્યારે બીજા બનાવમાં મહેન્દ્રનગર ધાયડી વિસ્તારમાં રહેતા કેવલભાઈ રૂગનાથભાઈ ડાભી ઉવ.૨૭ એ ગત તા.૧૫/૦૫ના રોજ રાત્રીના ૧ વાગ્યે પોતાનું હિરો સ્પ્લેન્ડર પ્લસ રજી.ન. જીજે-૩૬-એબી-૦૨૯૪ બાઈક ઘર બહાર પાર્ક કર્યું હતું, જ્યાંથી કોઈ અજાણ્યો વાહન ચોર ઉપરોક્ત બાઇક ચોરી કરી લઈ ગયો હોય જેથી પ્રથમ ઇ એફઆઈઆર બાદ રૂબરૂ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.






