Wednesday, June 10, 2026
HomeGujaratટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં કાકા-ભત્રીજાની નિર્મમ હત્યા:શેઢા પડોશીના બે...

ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં કાકા-ભત્રીજાની નિર્મમ હત્યા:શેઢા પડોશીના બે પુત્રો વિરુદ્ધ ગુનો નોંધાયો

શેઢા પર ખુંટા મારવાની બાબતે ઉગ્ર બનેલા વિવાદે લીધો લોહિયાળ વળાંક, બે સગા ભાઈઓ સામે હત્યાનો ગુનો નોંધાયો.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે જમીન માપણી દરમિયાન સર્જાયેલા વિવાદમાં ૨૨ વર્ષીય હર્ષવર્ધનસિંહ ઝાલા અને તેમના કાકા ૪૦ વર્ષીય જયપાલસિંહ ઝાલાની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. બનાવ અંગે મૃતકના પિતા દિગ્વિજયસિંહ ઝાલાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે જમીનની માપણી અને શેઢા પર ખુંટા મારવાના મુદ્દે બે પરિવારો વચ્ચેનો વિવાદ લોહિયાળ બની ગયો હતો. આ બનાવમાં કાકા-ભત્રીજાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જેમાં મેઘપર ઝાલા ગામના દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રહે. બંને મેઘપર ઝાલા તા.ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈકાલ તા.૦૯/૦૬ના રોજ તેમની કબ્જા ભોગવટાવાળી ખારાવાડી તરીકે ઓળખાતી જમીનની માપણી માટે તેઓ, તેમના પુત્ર હર્ષવર્ધનસિંહ, ભાઈ જયપાલસિંહ, માપણીકાર કિર્તીભાઈ પટેલ અને અન્ય પરિવારજનો સાથે વાડીમાં હાજર હતા. ત્યારે બપોરના સમયે જમીનની સીમા નક્કી કરવા શેઢા પર ખુંટા મારવાની કામગીરી ચાલી રહી હતી.

આ દરમિયાન બાજુની વાડી ધરાવતા મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાના પુત્રો આરોપી મહાવીરસિંહ અને તેજપાલસિંહ ઝાલાને પણ સ્થળે બોલાવવામાં આવ્યા હતા.ત્યારે માપણી અને ખુંટા મારવાની કામગીરી આરોપીઓને પસંદ ન પડતાં બંને ભાઈઓ મોટરસાઇકલ પર વાડીએ આવ્યા હતા, અને બંને આરોપીઓએ હર્ષવર્ધનસિંહ અને જયપાલસિંહ સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ બંને કાકા-ભત્રીજા ઉપર આડેધડ ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલો થતાં માપણી માટે આવેલા લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા. બનાવ સમયે ફરિયાદી દિગ્વિજયસિંહ ખેતરના શેઢે પાણી ભરવા ગયા હતા જેથી તેઓએ દૂરથી હુમલો જોયા બાદ સ્થળ તરફ દોડી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં બંને આરોપીઓ મોટરસાઇકલ લઈને ફરાર થઈ ગયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા હર્ષવર્ધનસિંહ અને જયપાલસિંહને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ ટંકારા પોલીસે બન્ને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧), ૩(૫) તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!