મીઠા ઉદ્યોગપતિના ટ્રક-ડમ્પરો દ્વારા સ્મશાન વિસ્તારમાં ડમ્પિંગ કરાતું હોવાનો આક્ષેપ, તળાવ અને વૃક્ષોને નુકસાનની ભીતિ.
માળીયા(મી) તાલુકાના બગસરા ગામ નજીક આવેલા સ્મશાનની જમીનમાં મીઠાનો ઢગલો કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ મીઠા ઉદ્યોગપતિના ઓવરલોડ અને તાલપત્રી વગર ચાલતા ટ્રક-ડમ્પરો દ્વારા મીઠાનું ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે. આ કારણે સ્મશાનના વૃક્ષો, જમીન અને નજીક આવેલા તળાવને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
માળીયા(મી) તાલુકાના બગસરા ગામ નજીક આવેલા સ્મશાનની જમીનમાં મીઠાનો ઢગલો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. મળતી માહિતી મુજબ મીઠા ઉદ્યોગપતિના ઓવરલોડ અને તાલપત્રી વગર દોડતા ટ્રક-ડમ્પરો દ્વારા સ્મશાન વિસ્તારમાં મીઠું ઠાલવવામાં આવી રહ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે સ્મશાનમાં આવેલા વૃક્ષોને મીઠાના કારણે ભારે નુકસાન પહોંચી શકે છે તેમજ જમીન વધુ ખારી બનવાની સંભાવના છે. ઉપરાંત સ્મશાનની બાજુમાં ગામનું તળાવ આવેલું હોવાથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી સાથે મીઠું તળાવમાં પહોંચે તો પાણી પણ ખારું થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ મામલે મીઠા ઉદ્યોગપતિનો સંપર્ક કરતાં તેઓ ટ્રકો પોતાના ન હોવાનું કહી જવાબદારીમાંથી છટકી રહ્યા છે. બીજી તરફ ગ્રામ પંચાયત તથા જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર અને જવાબદાર વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.






