વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂત આગેવાનો સાથે ચર્ચા: ખેડૂતોને વધુમાં વધુ વળતર અપાવવાની ખાતરી.
મોરબી જીલ્લામાં ટ્રાન્સમિશન લાઈન માટે ઉભા કરવામાં આવી રહેલા વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોના આંદોલન વચ્ચે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા પોતાના વતન જેતપર પહોંચ્યા હતા. તેમણે ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી તેમની રજૂઆતો સાંભળી હતી. મંત્રીએ ખેડૂતોને યોગ્ય અને વધુમાં વધુ વળતર મળે તે માટે અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટે વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. જોકે વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક ખેડૂતોને હજુ સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી અને જે વળતર નક્કી કરવામાં આવ્યું છે તે પણ પૂરતું નથી. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ ગામોમાં વિરોધ પ્રદર્શન અને આંદોલન ચાલી રહ્યું છે. મોરબી તાલુકાના જેતપર ગામમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ખેડૂતો વીજપોલ ઊભા કરવાની કામગીરી રોકવા માટે વિરોધ કરી રહ્યા છે. કામગીરી દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી. ખેડૂતો દ્વારા જેતપરથી મોરબી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી વળતરનો પ્રશ્ન ઉકેલાય ત્યાં સુધી કામગીરી બંધ રાખવાની માંગ કરવામાં આવી હતી.
ખેડૂતોના પ્રતિક ઉપવાસ વચ્ચે રાજ્યના મંત્રી અને મોરબી-માળીયા બેઠકના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જેતપર પહોંચ્યા હતા. જ્યાં આગેવાનોએ ખેડૂતો સાથે બેઠક કરી તેમની રજૂઆતો સાંભળી હતી. આ તકે મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, માત્ર જેતપર કે મોરબી જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોને ટ્રાન્સમિશન લાઈનના કામમાં યોગ્ય અને વધુમાં વધુ વળતર મળે તે માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસે કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાશે, જેમાં ખેડૂતોને વધુ વળતર આપવા માટેની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે જો સ્થાનિક સ્તરે પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવશે. જરૂર પડશે તો ખેડૂતોના હિત માટે દેશના વડાપ્રધાન સુધી પણ રજૂઆત કરવામાં આવશે. ખેડૂતોને ન્યાય મળે અને યોગ્ય વળતર મળે તે માટે સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાની તેમણે ખાતરી આપી હતી.






