માર મારી બળજબરીપૂર્વક સ્ટેમ્પ પેપર ઉપર લેન્ડ ગ્રેબિંગના કાગળો ઉપર સહીઓ લેવડાવી.
મોરબીમાં ભાયુ ભાગના મકાનને પોતાના નામે કરાવવા સગા ભાઈ અને ભત્રીજાએ ભેગા થઈને મોટર સાયકલમા સગા ભાઈનું અપહરણ કરી એકાંત જગ્યાએ લઈ જઈ લાકડાના ધોકાથી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. સાથે જ બળજબરીથી સ્ટેમ્પ પેપર પર સહી અને અંગૂઠાના નિશાન લેવાયા હતા, હાલ તાલુકા પોલીસે બંને આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક યદુનંદન સોસાયટીમાં રહેતા વાસુરભાઈ સામંતભાઈ સોઢીયા ઉવ.૫૦એ પોતાના મોટા ભાઈ આરોપી મગનભાઈ સોઢીયા અને ભત્રીજા રાજન સોઢીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વિદ્યુતનગર વિસ્તારમાં આવેલ ભાયુ ભાગના મકાનને પોતાના નામે કરી આપવા મુદ્દે બંને ભાઈઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. તે દરમિયાન ગઈકાલ તા.૧૧/૦૬ના રોજ બપોરે લાલપર ગામની સીમમાં આવેલી ફેક્ટરી પાસે ફરિયાદી વાસુરભાઈ હોય તે દરમિયાન તેમના ભાઈ અને ભત્રીજો ત્યાં મોટર સાયકલમાં ત્યાં આવ્યા અને ઉપરોક્ત મકાન પોતાના નામે કરી આપવા દબાણ કર્યું હતું. ત્યારે ફરી ફરિયાદી વસુરભાઈએ ઇનકાર કરતાં બંનેએ બળજબરીથી મોટરસાયકલમાં બેસાડી જાંબુડિયા બ્રિજ નજીક એકાંત સ્થળે લઈ જઈ લાકડાના ધોકાથી પગના ભાગે માર માર્યો હતો. બાદમાં સ્ટેમ્પ પેપર પર બળજબરીથી સહી અને અંગૂઠાના નિશાન કરાવ્યા હતા. હાલ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






