મોરબી શહેરમાં નોંધાયેલા આપઘાત કરવા મજબુર કરવાના અને ગેરકાયદેસર નાણાં ધીરધારના ગુનામાં આરોપી ઈમરાન ઉર્ફે ઢબો ગુલામહુશેનભાઈ માડકીયાને સેશન્સ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે. કોર્ટ દ્વારા આરોપીને રૂ.50 હજારના જામીન અને નિર્ધારિત શરતોના આધારે મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નંબર 780/2026 હેઠળ ઈમરાન ઉર્ફે ઢબો ગુલામહુશેનભાઈ માડકીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108, 351(2), 352, 54 તેમજ નાણાં ધીરધાર સંબંધિત કાયદાની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી તેને અદાલતમાં રજૂ કરતાં કોર્ટના હુકમથી જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેલમાં રહેલા આરોપી તરફથી બાદમાં મોરબી સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરવામાં આવી હતી. આરોપી તરફે વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) દ્વારા સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટના વિવિધ મહત્વના ચુકાદાઓનો ઉલ્લેખ કરીને જામીન માટે વિસ્તૃત દલીલો રજૂ કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો અને કેસની પરિસ્થિતિને ધ્યાને લઈને મોરબીના ત્રીજા એડિશનલ સેશન્સ જજ એમ. આર. નાદપરાએ આરોપી ઈમરાન ઉર્ફે ઢબો ગુલામહુશેનભાઈ માડકીયાને રૂ.50 હજારના જામીન પર નિયમિત મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટ દ્વારા જામીન સાથે વિવિધ શરતો પણ લાગુ કરવામાં આવી છે, જેનું પાલન આરોપીએ ફરજિયાતપણે કરવાનું રહેશે. આ કેસમાં આરોપી તરફે વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) સાથે એડવોકેટ મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા. સેશન્સ કોર્ટના આ નિર્ણય બાદ આરોપીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવશે.






