વાંકાનેર તાલુકામાં વર્ષ 2016માં સાત વર્ષની સગીર બાળકી પર અપહરણ, સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય અને પોક્સો હેઠળના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને કોર્ટે સજા ફટકારી છે. મોરબી જિલ્લાના વાંકાનેરની અદાલતે આરોપી શેરસીંગ ભોપાસિંહ સીસોદીયાને વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખ્ત કેદ સહિતની સજા સંભળાવી છે. સાથે જ પીડિતાને કુલ રૂ.4.16 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, વર્ષ 27 નવેમ્બર 2016ના રોજ સાંજે આરોપીએ 7 વર્ષની સગીર બાળકીનું અપહરણ કરી તેને બાવળની ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ઘટનામાં બાળકીને ગંભીર શારીરિક ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ અને ટ્રાયલ દરમિયાન રજૂ થયેલા પુરાવા, તબીબી અભિપ્રાયો અને સાક્ષીઓના નિવેદનોના આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. અદાલતે ભારતીય દંડ સંહિતાની કલમ 363 હેઠળ 3 વર્ષની સખ્ત કેદ, કલમ 377 હેઠળ 7 વર્ષની સખ્ત કેદ તેમજ પોક્સો અધિનિયમની વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. તમામ સજાઓ એકસાથે ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આરોપી પર કુલ રૂ.16 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ ન ભરાય તો વધારાની સજા ભોગવવાની રહેશે. વધુમાં ગુજરાત ભોગ બનનાર વળતર યોજના-2019 અંતર્ગત પીડિતાને રૂ.4 લાખનું વળતર તેમજ દંડની રકમ મળીને કુલ રૂ.4.16 લાખ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અદાલતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને પીડિતાને નિયમ મુજબ વળતર ચૂકવવાની કાર્યવાહી કરવા સૂચના આપી છે. સાથે જ ચુકાદાની નકલ જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા પોલીસ તંત્ર, સંબંધિત પોલીસ સ્ટેશન અને જેલ સત્તાધિકારીઓને મોકલવાનો પણ હુકમ કર્યો છે.






