Tuesday, June 16, 2026
HomeGujaratમોરબીમાં કારખાનામાંથી થયેલ કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

મોરબીમાં કારખાનામાંથી થયેલ કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

મોરબી તાલુકા વિસ્તારમાં આવેલા એક કારખાનામાંથી કોપર વાયર ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મહત્વની સફળતા મેળવી છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીમાં ગયેલો રૂ.1.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા વધુ બે આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક દ્વારા મિલ્કત સંબંધિત ગુનાઓ પર નિયંત્રણ લાવવા અને વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વિશેષ કામગીરી હાથ ધરી હતી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુનો રજીસ્ટર નંબર 1210/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(એ), 331(2)(3)(4) અને 54 મુજબ ગુનો નોંધાયો હતો. કારખાનામાંથી કોપર વાયર ચોરીની આ ઘટના બાદ ગુનો વણશોધાયેલ રહ્યો હતો. જેથી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓ અને ચોરીના મુદ્દામાલને શોધવા માટે વિશેષ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ માધ્યમોથી મહત્વની બાતમી મળી હતી. બાતમીના આધારે મોરબી-જેતપર રોડ પર સાપર ગામના પાટિયા નજીક ગાળા તરફ જવાના રસ્તા પર આવેલા એક ભંગારના ડેલામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિકાસભાઈ અનિલભાઈ લોરીયા, સાગરભાઈ મેરામભાઈ સોલંકી અને ઈશ્વરભાઈ ગોપીલાલભાઈ ગુર્જરની ધરપકડ કરી છે.

આરોપીઓ પાસેથી 81 કિલોગ્રામ શુદ્ધ કોપર વાયર કિંમત રૂ.97,200 અને ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બોલેરો વાહન (નં. GJ-36-T-7013) કિંમત રૂ.1 લાખ મળી કુલ રૂ.1,97,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આ ગુનામાં રવિભાઈ લાખાભાઈ સોલંકી અને સચિનભાઈ લાખાભાઈ સોલંકીની સંડોવણી પણ સામે આવી છે. બંને આરોપીઓ હાલ ફરાર હોવાથી તેમની શોધખોળ માટે અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપી વિકાસભાઈ લોરીયાનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેની સામે મોરબી તાલુકા અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનોમાં ચોરી, પ્રોહિબિશન અને મોટર વાહન અધિનિયમ હેઠળ અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ અને માનવ બાતમીના આધારે ઝડપભેર કામગીરી કરી ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલતા ચોરીમાં ગયેલો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. પોલીસે આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફરાર આરોપીઓને ઝડપવા માટે તપાસ આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!