“તમે એકલા નથી, સમગ્ર વહીવટી તંત્ર તમારી સાથે છે” PM CARES યોજના હેઠળના બાળકો સાથે કલેક્ટર સ્વપ્નિલ ખરેનો આત્મીય સંવાદ
મોરબી જિલ્લામાં ‘PM CARES for Children’ યોજના હેઠળ આવરી લેવાયેલા બાળકોના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યને વધુ મજબૂત બનાવવા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિશેષ ‘વન-ટુ-વન સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કલેક્ટરે માત્ર એક અધિકારી તરીકે નહીં, પરંતુ વાલી તરીકે બાળકો સાથે આત્મીય વાતચીત કરી તેમની સમસ્યાઓ, આશાઓ અને ભવિષ્યના સપનાઓને નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બાળકો સાથે હળવાશભર્યા વાતાવરણમાં બેસીને અલ્પાહાર કર્યો હતો અને ત્યારબાદ દરેક બાળક સાથે વ્યક્તિગત સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય, શાળા-કોલેજમાં મળતી સુવિધાઓ, અભ્યાસની પ્રગતિ અને ભવિષ્યના લક્ષ્યો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે ખાસ કરીને બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે, સમાજ અને વહીવટી તંત્રની સંયુક્ત જવાબદારી તરીકે તેમના ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવાનો સરકારનો સંકલ્પ છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે કોઈપણ બાળક પોતાને એકલું કે નિરાધાર ન માને, કારણ કે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હંમેશા તેમની પડખે ઊભું છે અને તેમની દરેક જરૂરીયાતને પહોંચી વળવા પ્રતિબદ્ધ છે. સંવાદ દરમિયાન આયુષ્માન કાર્ડ હેઠળ મળતી આરોગ્ય સેવાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બાળકો અને તેમના વાલીઓને રોજિંદા જીવનમાં પડતી સામાજિક, આર્થિક તથા વહીવટી સમસ્યાઓ વિશે પૂછપરછ કરી સ્થળ પર હાજર અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. કેટલાક પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે પણ સંબંધિત વિભાગોને દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
માત્ર અભ્યાસ પૂરતો જ નહીં પરંતુ બાળકોની છુપાયેલી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે રમત-ગમત, સંગીત, ચિત્રકામ અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે બાળકોની વિવિધ સિદ્ધિઓ અને રસને બિરદાવતાં તેમને પોતાના સપનાઓ સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકો અને તેમના વાલીઓમાં આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવના જોવા મળી હતી. PM CARES for Children યોજના હેઠળ સરકાર દ્વારા અનાથ અને સંવેદનશીલ બાળકોના શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્યની સુરક્ષા માટે કરવામાં આવતા પ્રયાસોની વચ્ચે મોરબીમાં યોજાયેલો આ ‘વન-ટુ-વન સંવાદ’ માત્ર એક બેઠક નહીં, પરંતુ બાળકોને હૂંફ, વિશ્વાસ અને માર્ગદર્શન આપવાનો અનોખો પ્રયાસ સાબિત થયો હતો.






