Wednesday, June 17, 2026
HomeGujaratવાપી:૧૪ વર્ષની સગીરાને ગર્ભવતી બનાવનાર હવસખોરને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારાઈ

વાપી:૧૪ વર્ષની સગીરાને ગર્ભવતી બનાવનાર હવસખોરને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારાઈ

વલસાડ જિલ્લાના વાપીમાં ૧૪ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપી સામે સ્પેશિયલ પોક્સો કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, સાથે જ પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો અને આરોપી પાસેથી દંડ વસૂલવાનો પણ હુકમ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, વાપીના ચણોદ વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની 14 વર્ષની કિશોરી સાથે પાડોશમાં રહેતો રમેશ ગોરખનાથ પ્રજાપતિ સંપર્કમાં આવ્યો હતો. ઓળખાણ બાદ તેણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આરોપી સમયાંતરે સગીરાને પોતાની રૂમ પર બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો.

સગીરાએ શરૂઆતમાં આ સમગ્ર ઘટના અંગે પરિવારને કોઈ જાણ કરી ન હતી. જોકે થોડા સમય બાદ માતાને દીકરીના સ્વાસ્થ્યમાં ફેરફાર જણાતા તેને તબીબી તપાસ માટે લઈ જવામાં આવી હતી. તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. પરિવારજનોની પૂછપરછ બાદ સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી અને પાડોશી રમેશ પ્રજાપતિ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

ઘટનાની જાણ થતાં ડુંગરા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ પીડિતા, પરિવારજનોની જુબાની, તબીબી અહેવાલો તેમજ અન્ય મહત્વના પુરાવાઓના આધારે મજબૂત દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને વિશેષ પોક્સો કોર્ટના જજ ડૉ. એચ. એન. વકીલે આરોપી રમેશ ગોરખનાથ પ્રજાપતિને દોષિત ઠેરવ્યો હતો.

કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સાથે જ આરોપી પર દંડ પણ લાદવામાં આવ્યો હતો. વધુમાં, પીડિતાને સરકારની વળતર યોજના અંતર્ગત ₹4 લાખની સહાય ચૂકવવાનો મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે.

આ સમગ્ર કેસની તપાસ પ્રોબેશનર IPS અધિકારી અંકિતા મિશ્રા દ્વારા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવા અને સુનિયોજિત તપાસના આધારે આરોપી સામે મજબૂત કેસ ઉભો કરવામાં સફળતા મળી હતી.

સગીરાઓ સામેના જાતીય ગુનાઓ અંગે કોર્ટના આ કડક ચુકાદાને બાળ સુરક્ષા અને મહિલાઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. કાયદાની નજરે આવા ગુનાઓને કોઈપણ સંજોગોમાં માફ ન કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ આ ચુકાદા દ્વારા આપવામાં આવ્યો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!