Sunday, June 21, 2026
HomeGujaratવેરાવળના મંડોર નજીક ગેરકાયદે સિંહ દર્શન પર વન વિભાગ ટીમ ત્રાટકી :...

વેરાવળના મંડોર નજીક ગેરકાયદે સિંહ દર્શન પર વન વિભાગ ટીમ ત્રાટકી : ‘મંત્રીશ્રી, મોરબી શહેર ભાજપ’ લખેલી થાર અને બાઇક રેઢું મૂકી ઈસમોએ મુઠ્ઠીઓ વાળી!

ગીર જંગલ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવવાના ધંધા સામે વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ તાલુકાના મંડોર ગામ નજીક મોડી રાત્રે પાડવામાં આવેલી રેડ દરમિયાન વન વિભાગે એક મહિન્દ્રા થાર અને એક મોપેડ કબજે કરી હતી. જોકે સ્થળ પર હાજર લોકો અંધારાનો લાભ લઈને ફરાર થઈ જતા કોઈની તાત્કાલિક ધરપકડ થઈ શકી નથી.

- Advertisement -
- Advertisement -

વન વિભાગને બાતમી મળી હતી કે, પ્રતિબંધિત સમય દરમિયાન કેટલાક લોકો પ્રવાસીઓને ગેરકાયદે રીતે સિંહ દર્શન કરાવી રહ્યા છે. આ માહિતીના આધારે સ્પેશિયલ ટીમે મંડોર ગામ નજીક દરોડો પાડ્યો હતો. ટીમ સ્થળ પર પહોંચતા જ સંડોવાયેલા લોકો વાહનો છોડીને ફરાર થઈ ગયા હતા. દરોડા દરમિયાન કબજે કરાયેલી મહિન્દ્રા થાર સમગ્ર ઘટનાનું કેન્દ્રબિંદુ બની છે. કારણ કે વાહનના આગળના કાચ પર મોટા અક્ષરે ‘મંત્રી, મોરબી શહેર ભાજપ’ લખાયેલું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. વધુમાં, વાહન પર કોઈ માન્ય નંબર પ્લેટ પણ ન હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. વન વિભાગ દ્વારા હાલ વાહનના ચેસિસ અને એન્જિન નંબરના આધારે તેની માલિકીની વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ માટે આરટીઓ વિભાગની પણ મદદ લેવામાં આવી રહી છે. સાથે જ વાહન પર લગાવવામાં આવેલું બોર્ડ ખરેખર કોઈ હોદ્દેદાર સાથે સંકળાયેલું છે કે પછી માત્ર પ્રભાવ ઊભો કરવા માટે ઉપયોગમાં લેવાયું હતું તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે કબજે કરાયેલા વાહનમાંથી દારૂની બોટલો મળી આવી હોઈ શકે છે. જોકે આ બાબતે વન વિભાગ કે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ આ મુદ્દે સ્પષ્ટતા થઈ શકશે.

વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલા લોકો અને સ્થાનિક નાગરિકોએ ઘટનાને ગંભીર ગણાવી છે. તેમનું માનવું છે કે ગીર જેવા સંવેદનશીલ વન્યજીવ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન માત્ર કાયદાનો ભંગ જ નહીં પરંતુ વન્યજીવોની સુરક્ષા માટે પણ જોખમરૂપ છે. આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે. વન વિભાગ હવે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગેરકાયદે સિંહ દર્શન પાછળ કોણ છે, કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી હતી અને તેમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ ઘટનાએ ફરી એકવાર ગીર વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શનના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. હવે તપાસના આગામી તબક્કામાં કબજે કરાયેલી થારની માલિકી અને તેમાં સંકળાયેલા લોકોની ઓળખ બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!