મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં ખાણી-પીણી અને ફરસાણના ધંધાર્થીઓ સામે ચેકિંગ અભિયાન હાથ ધરી કાર્યવાહી કરી છે.
રવાપર રોડ વિસ્તારમાં આવેલી 20 ફરસાણની દુકાનોમાં તપાસ દરમિયાન તેલના નમૂનાઓની TPC મશીન દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જે તેલના નમૂનાઓમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ TPC કાઉન્ટ નોંધાયો હતો તે તમામ તેલ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત ફરસાણની દુકાનોમાં ખાદ્ય સામગ્રી પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા આશરે 5 કિલો જેટલા છાપેલા ન્યૂઝપેપરનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો હતો.
કાર્યવાહી દરમિયાન લાઈટ નાસ્તા હાઉસમાંથી આશરે 2 કિલો અખાદ્ય ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે નેપોપ ચાઈનીઝમાંથી આશરે 5 કિલો અખાદ્ય ચટણી તેમજ ફૂડ કલરનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગે વેપારીઓને ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની તપાસ વધુ કડક રીતે હાથ ધરવામાં આવશે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.






