આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને યોગપ્રેમીઓએ ભાગ લઈને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.
“મેદસ્વિતા મુક્ત ભારત” અભિયાનના સંકલ્પ સાથે યોજાયેલા જિલ્લાકક્ષાનાં કાર્યક્રમમાં યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ યોગને જીવનશૈલીનો ભાગ બનાવવાનો સંકલ્પ પણ લીધો હતો. આ પ્રસંગે કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક ઓળખ મળી છે અને આજે સમગ્ર વિશ્વ યોગને સ્વસ્થ જીવન માટે અપનાવી રહ્યું છે.
તેમણે દરેક નાગરિકને નિયમિત યોગ કરવાની અપીલ કરી હતી તેમજ મોરબીમાં છ નવા યોગ કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોલકાતાથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરથી સંબોધિત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના યોગ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને યોગમય વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.






