નગર દરવાજા ચોકી પોલીસે રૂ.૨.૯૯ લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો, બે આરોપી ફરાર જાહેર.
મોરબીના કબીર ટેકરી વિસ્તારના મફતીયાપરમાં એક મકાનમાં દરોડો પાડી નગર દરવાજા ચોકી પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૩૩૫ બોટલો સહિત રૂ.૨.૯૯ લાખનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન બંને આરોપીઓ સ્થળ ઉપર મળી આવ્યા ન હોવાથી પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ હેઠળની નગર દરવાજા ચોકીના પીએસઆઈ જે.વી. ઝાલાને મળેલી બાતમીના આધારે કબીર ટેકરી મફતીયાપરા ચાનિયા જમાતખાના નજીક આવેલા સાહિલ ચાનીયાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપી સાહિલ સીદીકભાઈ ચાનીયા રહે. વાધપરા શેરી નં-૧૨ મોરબી અને જયદીપસિંહ મહોબતસિંહ ઝાલા કાલીકા પ્લોટ મોરબી વાળા હાજર મળી આવ્યા ન હતા.
તપાસ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડ અને ક્ષમતાની કુલ ૩૩૫ નંગ બોટલ કિ.રૂ.૨,૯૯,૩૫૪/-નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. હાલ સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓને ફરાર જાહેર કરી તેમને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.






