મોરબી જિલ્લાના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી અને બાલવાટિકાના નાના ભૂલકાઓને વિધિવત શાળા પ્રવેશ અપાવી તેમના શૈક્ષણિક જીવનની નવી શરૂઆત કરાવવામાં આવી હતી.
ખાખરાળા તાલુકા શાળામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાખરાળા ગામની જ શાળામાં અભ્યાસ કરેલા અને આજે ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા પી.ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓ માટે ખાસ સહયોગ આપ્યો હતો. તેમણે બાળકોને સ્કૂલ બેગ, સ્ટેશનરી કીટ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે તમામ બાળકોને ભરપેટ નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. પોતાની જ શાળામાં ફરી આવી વિદ્યાર્થીઓ માટે યોગદાન આપી શાળાનું ઋણ ચૂકવવાનો અવસર મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.






