Thursday, June 25, 2026
HomeGujaratમોરબી:સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ અને દુષ્કર્મ કરનારને 20 વર્ષની સજા ફટકારતી...

મોરબી:સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ અને દુષ્કર્મ કરનારને 20 વર્ષની સજા ફટકારતી મોરબી પોક્સો કોર્ટ

મોરબીની પોક્સો કોર્ટે સગીર વયની યુવતીનું અપહરણ કરી તેના પર વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપી સામે કડક વલણ અપનાવી 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આરોપીએ લગ્નની લાલચ આપી 15 વર્ષીય સગીરાને ભગાડી લઈ જઈ જાતીય શોષણ કર્યું હોવાનું સાબિત થતાં કોર્ટે દોષિત ઠેરવી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સાથે જ પીડિતાને રૂ. 4.21 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના અધિક જજ (પોક્સો) અને બીજા અધિક સેશન્સ જજની અદાલતમાં ચાલેલા કેસમાં સરકારી પક્ષ તરફથી મદદનીશ સરકારી વકીલ એન.ડી. કરીઆએ દલીલો રજૂ કરી હતી. કેસમાં 15 મૌખિક અને 28 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ તા. 16 જૂન 2022ના રોજ આરોપી બળદેવભાઈ ઉર્ફે સુરેશભાઈ મુળજીભાઈ શેખવાએ 15 વર્ષ 9 માસની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી હતી અને બાદમાં તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપી ગુનામાં દોષિત સાબિત થયો હતો. જેના પગલે કોર્ટે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ આરોપીને અલગ-અલગ સજાઓ ફટકારી હતી. જેમાં અપહરણ, લગ્ન માટે લલચાવી ભગાડી જવું અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ બદલ કુલ 20 વર્ષની સખ્ત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે. તમામ સજાઓ એકસાથે ભોગવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. કોર્ટના ચુકાદા મુજબ પીડિતાને ગુજરાત સરકારની વળતર યોજના હેઠળ રૂ. 4 લાખ તેમજ આરોપી પાસેથી વસૂલ થનાર રૂ. 21,500 દંડની રકમ સહિત કુલ રૂ. 4,21,500 વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ રકમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ મારફતે પીડિતાને આપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!