ચંદ્રપુર દરગાહ પાસે બનેલ અકસ્માતના બનાવ અંગે મૃતક સામે ગુનો નોંધાયો.
વાંકાનેર-સેખરડી રોડ પર ચંદ્રપુર દરગાહ નજીક સર્વિસ રોડ પર આવેલી જારી સાથે પુરઝડપે અને બેદરકારીથી ચલાવીને આવતું પલ્સર બાઈક અથડાતા મૂળ રાજસ્થાનના વતની અને હાલ વાંકાનેરમાં મજૂરીકામ કરતા યુવકનું ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે મૃતક સામે બીએનએસ તથા મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર નજીક ચંદ્રપુર દરગાહ પાસે સર્વિસ રોડ પર આવેલી જારી સાથે પલ્સર બાઈક અથડાતા અકસ્માતમાં રાજસ્થાનના સિકર જીલ્લાના ફતેહપુર ભોમીયા ગામના વતની અને હાલ વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય અજયકુમાર મધુરામ વર્માનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે બનાવ અંગેની મૃતકના ભાઈ વિજય મધુરામભાઈ વર્માની ફરિયાદ મુજબ, ગત તા.૧૪ જૂનના રોજ મૃતક અજયકુમાર પોતાનું પલ્સર બાઈક રજી. નં. આરજે-૨૩-બીકે-૯૦૩૮ લઈને વાંકાનેરથી સેખરડી ગામ તરફ કામ અર્થે જઈ રહ્યા હતા. ત્યારે ચંદ્રપુર દરગાહ પાસે સર્વિસ રોડ પર બાઈક પુરઝડપે ચલાવતાં રસ્તા પર આવેલી જારી સાથે અથડાતા તેમને હાથ, પગ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ મોરબી અને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે અકસ્માતના બનાવની ફરિયાદને આધારે મૃતક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.






