Saturday, July 4, 2026
HomeGujaratરાણેકપરમાં મંદિરમાં જાળી-એંગલ ફિટ કરવાના મુદ્દે બે કુટુંબી પરિવારો વચ્ચે હિંસક અથડામણ

રાણેકપરમાં મંદિરમાં જાળી-એંગલ ફિટ કરવાના મુદ્દે બે કુટુંબી પરિવારો વચ્ચે હિંસક અથડામણ

ધારીયા, લોખંડના પાઇપ અને ધોકાથી હુમલો: ચારને ગંભીર ઇજાઓ, હળવદ પોલીસે એક જ પરિવારના ૧૨ સભ્યો સામે રાયોટિંગ સહિતનો ગુનો નોંધ્યો.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના રાણેકપર ગામે નિલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં જાળી અને એંગલ ફિટ કરવાની બાબતે બે કુટુંબી પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ એક પરિવારે બીજા પરિવાર ઉપર ધારીયા, લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી આઠ જેટલા પરિવારના સભ્યોને ઇજાગ્રસ્ત કર્યા હતા, જેમાં ચારને ગંભીર ઇજાઓ અને ફ્રેક્ચર થતાં વધુ સારવાર માટે મોરબી ખસેડાયા હતા. હાલ હળવદ પોલીસે હુમલાખોર પરિવારના બે મહિલા સહિત ૧૨ આરોપીઓ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની અટકાયત કરવા તજવીજ શરૂ કરી છે.

હળવદ તાલુકાના રાણેકપર ગામે નિલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં જાળી અને એંગલ ફિટ કરવાની કામગીરી દરમિયાન થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ફરિયાદી રતિલાલભાઈ પ્રભુભાઈ બાબરિયા ઉવ.૬૧ રહે. રાણેકપર ગામ વાળાએ આરોપી ચતુરભાઈ વાલજીભાઈ બાબરીયા, નિકુલભાઈ મઘાભાઈ બાબરીયા, ભાણજીભાઈ ચતુરભાઈ બાબરીયા, અનિલભાઈ હેમુભાઈ બાબરીયા, હેમુભાઈ વાલજીભાઈ બાબરીયા, બાબુભાઈ વાલજીભાઈ બાબરીયા, દાદુભાઈ બાબુભાઈ બાબરીયા, શૈલેષભાઈ મઘાભાઈ બાબરીયા, સુજલભાઈ શામજીભાઈ બાબરીયા, શામજીભાઈ હેમુભાઈ બાબરીયા, શિલ્પાબેન અનિલભાઈ બાબરીયા અને મનિષાબેન શામજીભાઈ બાબરીયા તમામ રહે. રાણેકપર તા. હળવદ વાળા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ, ગઈકાલ તા.૦૩ જુલાઈના રોજ નીલકંઠ મહાદેવ મંદિરના ગ્રાઉન્ડમાં જાળી-એંગલો લગાવવાનું કામ અગાઉ બંધ કરાવ્યા બાદ સાંજે આરોપીઓ એકસંપ થઈ ધારીયા, લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને લાકડીઓ જેવા હથિયારો સાથે મંદિરના ગ્રાઉન્ડમાં આવ્યા હતા અને તેમના પરિવારજનો પર હુમલો કર્યો હતો.

હુમલામાં મુકેશભાઈ અને જયસુખભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ચંદ્રીકાબેન અને જ્યોત્સનાબેનના હાથમાં ફ્રેક્ચર થયું હતું. ઉપરાંત ફરિયાદી સહિત અન્ય પરિવારજનોને પણ ઇજાઓ પહોંચી હતી. હુમલા દરમિયાન ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઇજાગ્રસ્તોને પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ અને બાદમાં ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે એક જ પરિવારના બે મહિલા સહિત ૧૨ સભ્યો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ રાયોટિંગ, હુમલો, ધમકી તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!