મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે IEC એક્ટિવિટી યોજી નાગરિકોને કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરના તમામ વોર્ડમાં IEC (ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન) એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નાગરિકોને ઘરેથી જ ભીનો અને સૂકો કચરો અલગ રાખવા, ચાર ડસ્ટબિનનો યોગ્ય ઉપયોગ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે, કચરાનું સ્ત્રોતે જ વિભાજન અને જનજાગૃતિ અસરકારક ઘન કચરા વ્યવસ્થાપન માટે અત્યંત જરૂરી છે. સાથે જ તમામ નાગરિકોને આ અભિયાનમાં સહભાગી બની પોતાના વિસ્તાર તેમજ સમગ્ર શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.






