Wednesday, July 8, 2026
HomeGujaratસજનપર તળાવની પાળ તોડી ખેતરમાં માટી ભરતા ખેડૂત અંગે ગ્રામ પંચાયતની રજૂઆત...

સજનપર તળાવની પાળ તોડી ખેતરમાં માટી ભરતા ખેડૂત અંગે ગ્રામ પંચાયતની રજૂઆત છતા કાર્યવાહી નહીં

ચોમાસા પહેલાં પાળ મજબૂત કરવાની માંગ: પાળો તૂટે તો ૨૦૦ જેટલા ખેડૂતોના ખેતરો અને માર્ગને નુકસાન થવાની આશંકા.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના સજનપર ગ્રામ પંચાયત દ્વારા રજુઆત કરવામાં આવી છે કે, કુલદીપકુમાર લધુભાઈ હડીયલે તળાવની પાળ તોડી તેની માટી ખેતરમાં ભર્યા અંગે ૧૭ જૂન ૨૦૨૬ના રોજ ટંકારા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. જોકે ૭ જુલાઈ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. મામલતદારે આગામી બે દિવસમાં સ્થળ મુલાકાત લેવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામ પંચાયતે ચેતવણી આપી છે કે વરસાદી પાણીથી તળાવ ભરાશે ત્યારે પાળો તૂટે તો મોટી જાનમાલની નુકસાની થઈ શકે છે.

સજનપર ગામમાં આવેલા ગ્રામ પંચાયત હસ્તકના તળાવની પાળને નુકસાન પહોંચાડવાના મામલે ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ બી. સીણોજીયાએ ૧૭ જૂન ૨૦૨૬ના રોજ ટંકારા મામલતદારને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રજૂઆતમાં જણાવ્યા મુજબ, સજનપર ગામના રેવન્યુ સર્વે નં. ૨૭૮ની જમીન હે.આરે.ચો.મી.૧-૩૧-૫ર ના ક્ષેત્રફળ વાળી ખેડવાણ જમીનના માલીક કુલદીપકુમાર લધુભાઈ હડીયલની આવેલ છે. જેઓએ તેઓની ખેતરની બાજુમાં આવેલ તળાવનો પાળો તોડીને એની માટી તેઓના ખેતરમાં ભરેલ છે. પંચાયતનું કહેવું છે કે આ તળાવ ગામના પશુઓ માટે પીવાના પાણીનો મહત્વનો સ્ત્રોત છે અને તે ગ્રામ પંચાયતના હસ્તકમાં આવેલ છે.

ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ, વારંવાર મૌખિક જાણ કરવા છતાં પાળમાંથી માટી કાઢવાનું કામ બંધ થયું નથી, જેના કારણે તળાવની પાળનો ભાગ પાતળો થઈ ગયો છે. ચોમાસામાં તળાવમાં વરસાદી પાણી ભરાશે ત્યારે પાળો તૂટી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આવી સ્થિતિ સર્જાય તો તળાવનું પાણી આસપાસના આશરે ૨૦૦ ખેડૂતોના ખેતરોમાં ફરી વળવાની તેમજ ઘુનડા-સજનપર માર્ગને પણ નુકસાન પહોંચાડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પંચાયતે મામલતદારને સ્થળ તપાસ કરીને તાત્કાલિક કામ બંધ કરાવવા તેમજ જે સ્થળે પાળને નુકસાન થયું છે તે ફરી અગાઉની સ્થિતિમાં પુનઃસ્થાપિત કરાવવા માંગ કરી છે.

જોકે રજૂઆતને ત્રણ સપ્તાહથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ૭ જુલાઈ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ટંકારા મામલતદાર આગામી બે દિવસમાં સ્થળ મુલાકાતે આવવાના હોવાનું જાણવા મળ્યું છે. હવે તેમની મુલાકાત બાદ શું કાર્યવાહી થાય છે અને વરસાદ પહેલાં તળાવની પાળ સુરક્ષિત બનાવવામાં આવે છે કે નહીં તે આવનારા દિવસોમાં જોવું રહ્યું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!