Wednesday, July 8, 2026
HomeGujaratઅંત્યોદય અન્ન યોજનામાં અનાજ ઘટાડાના પ્રસ્તાવ સામે માળિયા મહિલા શક્તિ સંગઠનનો વિરોધ...

અંત્યોદય અન્ન યોજનામાં અનાજ ઘટાડાના પ્રસ્તાવ સામે માળિયા મહિલા શક્તિ સંગઠનનો વિરોધ : મામલતદારને કરાઈ રજૂઆત

માળિયા મહિલા શક્તિ સંગઠને અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ પ્રતિ રેશનકાર્ડ મળતા 35 કિલો અનાજને ઘટાડીને પ્રતિ વ્યક્તિ 7 કિલો કરવાની સંભવિત દરખાસ્તનો કડક વિરોધ નોંધાવ્યો છે. સંગઠને મામલતદારને આવેદનપત્ર પાઠવી હાલની વ્યવસ્થા યથાવત રાખવા, ગરીબ પરિવારોને વધારાનું પોષણયુક્ત અનાજ ઉપલબ્ધ કરાવવા, PDS વ્યવસ્થામાં સુધારા કરવા તથા વધુ પાત્ર પરિવારોને યોજનામાં સામેલ કરવાની માંગ કરી છે.

- Advertisement -
- Advertisement -

માળિયા મહિલા શક્તિ સંગઠને મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સંગઠન છેલ્લા 17 વર્ષથી દલિત, મુસ્લિમ, કોળી, ભરવાડ, દેવીપૂજક તેમજ એકલ (વિધવા) મહિલાઓ સાથે અન્ન અને પોષણ સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર અને જીવનનિર્વાહના અધિકારો માટે કાર્યરત છે. સંગઠનના જણાવ્યા મુજબ અંત્યોદય અન્ન યોજના હેઠળ હાલ પ્રતિ રેશનકાર્ડ 35 કિલો અનાજ આપવામાં આવે છે, પરંતુ તેને ઘટાડીને પ્રતિ વ્યક્તિ 7 કિલો કરવાનો પ્રસ્તાવ અત્યંત ચિંતાજનક છે. આ યોજના ગરીબ અને વંચિત પરિવારો માટે જીવનરેખા સમાન હોવાથી તેમાં ઘટાડો કરવાથી હજારો પરિવારો ભૂખમરા તરફ ધકેલાઈ શકે છે અને તેમના મૂળભૂત અધિકારો પર સીધી અસર થશે. રજુઆતમાં માળિયા તાલુકાની જાહેર વિતરણ પ્રણાલી (PDS)ની ખામીઓ પણ દર્શાવવામાં આવી છે. સંગઠનના જણાવ્યા મુજબ હનજીયાસર, વેનાસર, બોડકી, ખીરસરા, ચીખલી, વિદરકા, જુમાંવાડી સહિત અનેક ગામો અને માળિયા મિયાણા વિસ્તારની વાંઢોમાં PDS દુકાનો ઉપલબ્ધ નથી. પરિણામે મહિલાઓને 5થી10 કિલોમીટર દૂર જઈને રાશન મેળવવું પડે છે, જેના કારણે મુસાફરી ખર્ચ અને રોજગારીનું નુકસાન સહન કરવું પડે છે. તેથી દરેક ગામમાં અનાજ વિતરણની વ્યવસ્થા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનમાં વધુમાં જણાવાયું છે કે મોટાભાગના PDS ડીલરો લાભાર્થીઓને અનાજનું બિલ આપતા નથી. દરેક લાભાર્થીને ફરજિયાત બિલ આપવામાં આવે તેમજ પંડિત દિનદયાળ રેશન દુકાનો માત્ર ત્રણ દિવસ નહીં પરંતુ ઓછામાં ઓછા 15 દિવસ સુધી ખુલ્લી રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે. સંગઠને એવી પણ રજૂઆત કરી છે કે માળિયા તાલુકામાં આર્થિક રીતે સક્ષમ અને જમીનધારક પરિવારોના NFSA કાર્ડ રદ કરીને ખરેખર જરૂરિયાતમંદ પરિવારોને યોજનામાં સામેલ કરવામાં આવે. ઉપરાંત વિધવા, વૃદ્ધ, વિકલાંગ, બીમાર અને લાંબી બીમારીથી પીડિત વ્યક્તિઓ માટે અરજી પ્રક્રિયા સરળ બનાવવાની તેમજ રેશનકાર્ડ, આધારકાર્ડ અને e-KYC સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ગામસ્તરે વિશેષ સહાય કેન્દ્ર શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

સંગઠને ભારપૂર્વક જણાવ્યું છે કે AAY કાર્ડધારકો માટે 35 કિલો અનાજ કોઈ વધારાની સુવિધા નહીં પરંતુ તેમના જીવનનિર્વાહનો આધાર છે. હાલ વરસાદની અનિશ્ચિતતા, ખેતીમાં નુકસાન, પાણીની અછત અને પશુધન સંબંધિત મુશ્કેલીઓ વચ્ચે અનાજમાં ઘટાડો ગરીબ પરિવારો માટે વિનાશક સાબિત થઈ શકે છે. માળિયા મહિલા શક્તિ સંગઠને સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓમાં પ્રતિ રેશનકાર્ડ 35 કિલો અનાજ યથાવત રાખવું, દાળ, કઠોળ, તેલ, ખાંડ અને મીઠું વિનામૂલ્યે આપવું, AAYનો ક્વોટો વધારી વધુ પાત્ર પરિવારોને લાભ આપવો, સિલિકોસિસ, ટીબી અને HIV જેવી ગંભીર બીમારી ધરાવતા લોકોને યોજનામાં સમાવવાનો નિર્ણય લેવો, વિધવા મહિલાઓને પ્રાથમિકતાથી અંત્યોદય રેશનકાર્ડ આપવું તેમજ માળિયા વિસ્તારમાં લોકોનો મુખ્ય ખોરાક બાજરી હોવાથી PDS મારફતે દર મહિને નિયમિત બાજરીનું વિતરણ શરૂ કરવાની માંગ પણ ઉઠાવી છે. સંગઠને સરકારને અનુરોધ કર્યો છે કે ગરીબ અને વંચિત પરિવારોના હિતને ધ્યાનમાં રાખી અનાજના જથ્થામાં કોઈ ઘટાડો ન કરવામાં આવે અને તમામ રજૂઆતો પર તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવામાં આવે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!