Friday, July 10, 2026
HomeGujaratમોરબી મનપાની સામાન્ય સભામાં નંદીઘર, વિકાસ કામો અને અધિકારીઓની કામગીરી મુદ્દે ભારે...

મોરબી મનપાની સામાન્ય સભામાં નંદીઘર, વિકાસ કામો અને અધિકારીઓની કામગીરી મુદ્દે ભારે હોબાળો

શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ જ ઉઠાવ્યા આકરા સવાલો, કોર્પોરેટરોના વેતન-ભથ્થા સહિત ચારેય ઠરાવો મંજૂર.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની બીજી સામાન્ય સભામાં શહેરના વિવિધ પ્રશ્નો અને ચાર મહત્વના ઠરાવો પર ચર્ચા કરવામાં આવી હતી. સભામાં સત્તાધારી ભાજપના કોર્પોરેટરોએ નંદીઘરની દુર્દશા, વિકાસ કામોમાં વિલંબ અને અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાના મુદ્દે પોતાના જ શાસન સામે અસંતોષ વ્યક્ત કરી સભા ગજવી હતી.

મોરબી મહાનગરપાલિકાની બીજી સામાન્ય સભા આજે યોજાઈ હતી. પ્રથમ સામાન્ય સભા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી માટે યોજાઈ હતી, જ્યારે બીજી સભામાં શહેરના વિવિધ પ્રશ્નો અને ઠરાવો ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. સભામાં રજૂ કરાયેલા તમામ ચાર ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ સાથે શહેરી વિકાસ વિભાગના પત્ર અનુસાર કોર્પોરેટરો માટે માસિક રૂ.૭ હજાર માનદ વેતન નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત મીટિંગ ભથ્થું રૂ.૫૦૦/-, ટેલિફોન ભથ્થું રૂ.૧ હજાર અને સ્ટેશનરી ભથ્થું રૂ.૧,૫૦૦/-નક્કી કરવામાં આવ્યા છે, જેનો અમલ ૧ જુલાઈથી થશે. જોકે, વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર ભાવિક જારિયા અને વોર્ડ નં.૧૦ના ગણેશ ડાભીએ કોઈપણ પ્રકારનું માનદ વેતન અને ભથ્થું નહીં લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

આ ઉપરાંત સ્થાયી સમિતિ, મેયર અને ડેપ્યુટી મેયરની ઓફિસ માટે માસિક રૂ.૧૫ હજારના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. નવી મહાનગરપાલિકા હોવાથી નિયમોની અછત વચ્ચે હાલ પૂરતા રાજકોટ મહાનગરપાલિકાના નિયમો અપનાવવાનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. વધુમાં, વોર્ડ નં.૩ના કોર્પોરેટર ભૂપત જારિયાએ પંચાસર રોડ પર આવેલા નંદીઘરમાં ટપોટપ મરી રહેલા નંદીઓનો મુદ્દો ઉઠાવી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ૮૦૦થી ૯૦૦ નંદીઓ માટે માત્ર એક જ શેડ અને ત્રણ પાણીના અવાડા છે. પૂરતો ઘાસચારો અને સ્ટાફ ન હોવાથી સ્થિતિ ગંભીર બની છે. આ મુદ્દે મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે નંદીઘરનું સંચાલન કરતી એજન્સીને બરખાસ્ત કરવામાં આવી છે અને બેદરકારી દાખવનાર વિભાગીય અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ ગૌપ્રેમીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તથા નવી એજન્સી માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.

વિકાસ કામો માટેની ચર્ચામાં

વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર ભાવેશ કંજારીયાએ આઇકોનિક રોડ (નાની કેનાલ રોડ)ની પહોળાઈ ૨૦ મીટરથી ઘટાડીને ૧૮ મીટર કરવાની દરખાસ્ત સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ૫૨ કોર્પોરેટરોએ આ મુદ્દે લેખિત રજૂઆત કરી છે. મેયર અને કમિશનરે ખાતરી આપી હતી કે રોડ અગાઉ નક્કી કરાયેલી ૨૦ મીટરની ડિઝાઇન મુજબ જ બનાવવામાં આવશે. ઉપરાંત કોર્પોરેટરે GUDC અને પાણીની લાઈનના ખોદકામ બાદ રસ્તાઓની મરામત ન થવા, વાડી વિસ્તારોમાં મેટલ ન નાખવા અને મોટા દબાણો સામે કાર્યવાહી ન થવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. મેયરે દબાણ દૂર કરવા માટે દર અઠવાડિયે એક દિવસ વિશેષ ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી હતી. સભામાં લગભગ તમામ કોર્પોરેટરોએ એકસૂરથી ફરિયાદ કરી હતી કે મહાનગરપાલિકાના અધિકારીઓ તેમના ફોન ઉપાડતા નથી અને પ્રશ્નોના સમયસર ઉકેલ લાવતા નથી. આ મુદ્દે મેયરે તમામ વિભાગીય અધિકારીઓને કડક સૂચના આપી હતી કે કોર્પોરેટરોના ફોન અચૂક ઉપાડવામાં આવે અને રજૂઆતોનો ઝડપથી નિકાલ કરવામાં આવે.

આ ઉપરાંત સ્થાયી સમિતિના ઠરાવ મુજબ માંસની દુકાનો અને કતલખાનાના પેટા કાયદાઓને પણ મંજૂરી આપવામાં આવી હતી અને આગામી દિવસોમાં ફૂડ સેફ્ટી તેમજ કતલખાનાના લાયસન્સ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!