આરોપીઓને કડક સજા અપાવવા અને કેસને મજબૂત રીતે રજૂ કરવા ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય.
મોરબીના શનાળા રોડ ઉપર સાઇડ આપવા મુદ્દે થયેલ બોલાચાલીમાં કાર ચાલક સોની વેઓરી યુવક જતીન આડેસરાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી હત્યા કેસમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગે મોરબીના સરકારી વકીલ વિજય જાનીની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (એસ.પી.પી.) તરીકે નિમણૂક કરી છે.
મોરબીના શનાળા રોડ પર બનેલા સોની યુવાન જતીનભાઈ રસિકલાલ આડેસરા હત્યા કેસમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેસમાં સરકારનો પક્ષ વધુ મજબૂત રીતે રજૂ થાય અને આરોપીઓને કડક સજા મળી રહે તે માટે મોરબીના સરકારી વકીલ વિજય સી. જાનીની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જતીનભાઈ આડેસરા પોતાની કારમાં પરિવાર સાથે રાજકોટથી મોરબી પરત ફરી રહ્યા હતા. ત્યારે રાત્રે શનાળા રોડ ઉપર રંગોલી આઈસ્ક્રીમની સામે એક્સેસ સ્કૂટર પર આવેલા બે શખ્સો સાથે સાઈડ અને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓ પૈકીના એક શખ્સે જતીનભાઈને છાતી, પડખા અને બેઠકના ભાગે છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ જતીનભાઈને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ મૌલિક રસિકલાલ આડેસરાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક થતાં આ ચકચારી હત્યા કેસની કોર્ટ કાર્યવાહી વધુ મજબૂત બનશે અને પીડિત પરિવારને ત્વરિત ન્યાય મળવાની આશા વધુ પ્રબળ બની છે.






