૬૧,૯૪૯ ક્વિન્ટલ ખરીદી સાથે ટંકારાએ રાજ્યમાં મેળવ્યો પ્રથમ ક્રમ: ૭૭,૪૫૦ ક્વિન્ટલ ખરીદી સાથે મોરબી જીલ્લો ગુજરાતમાં છઠ્ઠા સ્થાને, ખેડૂતોને ૨૦ કરોડથી વધુની ચૂકવણી.
મોરબી: જગતના તાતને તેના પરિશ્રમનું સાચું અને પોષણક્ષમ મૂલ્ય મળી રહે તે માટે કટિબદ્ધ સરકારની લઘુતમ ટેકાના ભાવ (MSP)ની નીતિ મોરબી જીલ્લાના ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિ માટે પ્રેરકબળ બની રહી છે. વર્ષ ૨૦૨૬-૨૭ ની વર્તમાન સીઝનમાં ખુલ્લા બજારના સરખામણીએ ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય તેવા ઉમદા હેતુથી સરકારે ઘઉંની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૫૮૫નો ભાવ નિયત કર્યો હતો. આ ખરીદી પ્રક્રિયામાં મોરબી જીલ્લાના નાના એવા ટંકારા તાલુકાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ૬૧,૯૪૯ ક્વિન્ટલ ઘઉંના મબલખ જથ્થા સાથે પ્રથમ ક્રમ હાસિલ કરીને કૃષિ ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સાથે જ, મોરબી જીલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ અત્યાર સુધીની સૌથી મોટી વિક્રમી ખરીદી નોંધાવતા, કુલ ૭૭,૪૫૦ ક્વિન્ટલ ઘઉંના સંપાદન સાથે સમગ્ર રાજ્યમાં ગૌરવપૂર્ણ છઠ્ઠું સ્થાન મેળવીને કૃષિ કલ્યાણનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા મોરબી જીલ્લામાં કુલ ૪૭૦૫ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી. મોરબી જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા ચોમાસાના સંભવિત વરસાદ પૂર્વે ખેડૂતોનો કિંમતી પાક સુરક્ષિત રીતે ખરીદી શકાય તે માટે સમયસર એસ.એમ.એસ. મોકલીને સુદ્રઢ આયોજન હાથ ધરાયું હતું. જેના પરિણામે, જીલ્લાના વિવિધ તાલુકાઓમાં સારી એવી ખરીદી નોંધાઈ છે.
આ વિશે માહિતી આપતા મોરબી જીલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, અગ્રેસર રહેલા ટંકારા તાલુકામાં ૬૧,૯૪૯ ક્વિન્ટલ (૧,૨૩,૮૯૮ કટ્ટા) ની ખરીદી કરી ખેડૂતોને રૂ. ૧૬૦૧ લાખથી વધુની માતબર રકમ ચૂકવાઈ છે. આ ઉપરાંત, મોરબી તાલુકામાં ૫૭૯૨.૫ ક્વિન્ટલ (૧૧,૫૮૫ કટ્ટા) સામે રૂ. ૧૪૯.૭૪ લાખ, વાંકાનેર તાલુકામાં ૬૪૬૧ ક્વિન્ટલ (૧૨,૯૨૨ કટ્ટા) સામે રૂ. ૧૬૭.૦૨ લાખ, હળવદ તાલુકામાં ૨૯૬૮ ક્વિન્ટલ (૫૯૩૬ કટ્ટા) સામે રૂ. ૭૬.૭૨ લાખ તેમજ માળિયા તાલુકામાં ૨૭૯.૫ (ક્વિન્ટલ (ક્વિન્ટલ ૫૫૯ કટ્ટા) ની ખરીદી કરી ટેકાના ભાવ રૂપે રૂ. ૭.૨૩ લાખથી વધુની રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. સમગ્ર મોરબી જીલ્લામાં સરવાળે કુલ ૭૭,૪૫૦ ક્વિન્ટલ (૧,૫૪,૯૦૦ કટ્ટા) ઘઉંની વિક્રમી ખરીદી કરીને જીલ્લાના કિસાનોને સામૂહિક રીતે રૂ. ૨૦.૦૨ કરોડથી વધુની મબલખ રકમ ચૂકવી દેવામાં આવી છે.
સરકારના આ હકારાત્મક અને લોકાભિમુખ અભિગમને કારણે ખુલ્લા બજારના ઉતાર-ચડાવ સામે ધરતીપુત્રોને મજબૂત કવચ મળ્યું છે. ટંકારા પંથક સહિત સમગ્ર મોરબી જીલ્લાના ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડતી ટેકાના ભાવે ઘઉંની ખરીદ પ્રક્રિયાના સુચારુ સંચાલન અને સરકારની કલ્યાણકારી નીતિઓના લીધે જ શક્ય બની છે.






