મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય: મોરબી સહિત ૯ મહાનગરપાલિકાઓમાં ૧૧ મહત્વના જાહેર પ્રોજેક્ટોને મળશે વેગ.
રાજ્ય સરકાર દ્વારા નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે આગામી પાંચ વર્ષ સુધી નાગરિક સુવિધાના ૧૧ મહત્વના પ્રોજેક્ટ માટે સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મોરબી સહિતની નવી મહાનગરપાલિકાઓમાં વિકાસ કાર્યોને નવી ગતિ મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં ઝડપી અને ગુણવત્તાસભર નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત મોરબી, મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને પોરબંદર મહાનગરપાલિકાઓને આગામી પાંચ વર્ષ સુધી જાહેર હિતના વિવિધ પ્રોજેક્ટ માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે આપવામાં આવશે.
નવી મહાનગરપાલિકાઓ અગાઉ ‘અ’ વર્ગની નગરપાલિકાઓ હતી અને હાલમાં ટ્રાન્ઝિશન ફેઝમાં છે. ઉપરાંત, મહાનગરપાલિકાની હદમાં નવા વિસ્તારોનો સમાવેશ થતાં વિકાસ કાર્યો માટે જમીનની જરૂરિયાત વધી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જીલ્લા કક્ષાએ જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે.
વિનામૂલ્યે જમીન ફાળવવામાં આવનારા ૧૧ મહત્વના પ્રોજેક્ટમાં નગર સેવા સદન, ફાયર સ્ટેશન, એસટીપી, ડબલ્યુટીપી, ભૂગર્ભ ગટર યોજના, પંપિંગ સ્ટેશન, પાણી પુરવઠા યોજના, સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, બાલવાડી તેમજ ટાઉન હોલ, કોમ્યુનિટી હોલ અને કન્વેન્શન સેન્ટરનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી મોરબી સહિતની નવી મહાનગરપાલિકાઓમાં ફાયર સ્ટેશન, ગટર અને કચરા વ્યવસ્થાપન જેવી મૂળભૂત સુવિધાઓનું ઝડપી નિર્માણ શક્ય બનશે અને શહેરી વિકાસને નવી દિશા તથા ગતિ મળશે.






