પરિવારજનો લેવા આવી જશે તેવી બીકે બંનેએ ભર્યું અંતિમ પગલું; હળવદના રણમલપુર ગામની સીમમાં બની ઘટના.
હળવદના રણમલપુર ગામે મૈત્રી કરારથી સાથે રહેતા યુવક-યુવતીએ પરિવારજનો આવી યુવતીને લઈ જશે તેવા ડરથી બંનેએ પોતાની રીતે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ૨૩ વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે યુવક હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, મૂળ પાટણ જીલ્લાના બામરોલી ગામની ૨૩ વર્ષીય શોભનાબેન હસનભાઈ મદારી અને માલદેવભાઈ નામનો યુવક ઘરેથી ભાગીને મૈત્રી કરાર કરી સાથે રહેતા હતા અને હાલ તેઓ કચ્છ જીલ્લાના રાપર વિસ્તારમાં રહેતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શોભનાબેનના ભાઈ અને પરિવારજનો તેમને પરત લઈ જવા આવશે તેવા ડરને લઈ બંનેએ ગત ૮ જુલાઈના રોજ પોતાની મેળે હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમ વિસ્તારમાં ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. જે બાદ શોભનાબેનનું મોત નીપજ્યું હતું, જ્યારે માલદેવભાઈ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. હાલ હળવદ પોલીસે મૃતક શોભનાબેનના મોટાભાઈ સોરબ હસનભાઇ મદારી ઉવ.૨૭ રહે.હાલ- પ્રાગપર ચોકડી પાસે રાપર તા.રાપર જી.કચ્છ મુળ રહે.બામરોલી તા.સાંતલપુર જી.પાટણ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






