લખધીરનગરના યુવકે દુકાનમાં ઘૂસી વેપારીને આડેધડ છરીના ઘા ઝીંક્યા, હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.
મોરબીના લખધીરનગર ગામે મની ટ્રાન્સફર કરાવ્યા બાદ રૂપિયા અને ટ્રાન્સફર ચાર્જ માંગતા મોબાઈલ શોપના વેપારી પર ગ્રાહકે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તાલુકા પોલીસે આરોપી સામે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરબી તાલુકાના લીલાપરથી નવાગામ જતા રોડ ઉપર લખધીરનગર ગામે ગણેશ કોમ્પ્લેક્ષમાં આવેલ કૃષ્ણ મોબાઈલ એન્ડ ફેશન નામની દુકાનમાં ગઈકાલ તા ૧૪/૦૭ના રોજ બપોરે મની ટ્રાન્સફરના વ્યવહારને લઈને વેપારી ઉપર જીવલેણ હુમલાની ઘટના બની હતી. જેમાં દુકાન સંચાલક મુરારીકુમાર ભોગેન્દ્ર શર્મા ઉવ.૨૪ રહે.હાલ વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટી શેરી નં.૦૭ મોરબી મુળ ગામ.સીગ્યા થાના બીસફી જી.મધુબની બિહાર વાળાની ફરિયાદ મુજબ ગ્રાહક વિશાલભાઈ બાબુભાઈ જોગડીયા રહે. લખધીરનગર વાળો પોતાના ખાતામાં રૂ.૧૭ હજાર ટ્રાન્સફર કરાવવા દુકાને આવ્યો હતો. ત્યારે વેપારી મુરારીકુમારે રકમ ટ્રાન્સફર કર્યા બાદ ૧૭ હજાર તેમજ રૂ.૧૭૦/-ટ્રાન્સફર ચાર્જ માંગતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.
ત્યારે આરોપીએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી વેપારી ઉપર હુમલો કર્યો હતો. ગળાના પાછળના ભાગે બે ઘા, પીઠમાં એક ઘા, પાસળીની નીચે ડાબી બાજુ એક ઊંડો ઘા તેમજ માથામાં, હાથના કાંડા અને ખભા ઉપર પણ છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હુમલાખોર સ્થળ પરથી નાસી ગયો હતો. બાદમાં વેપારીને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી વિશાલભાઈ બાબુભાઈ જોગડીયા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯ તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






