મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ (દિલ્હી-ગુજરાત) અને હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી કતલખાને લઈ જવાતા 23 ઘેટાંને મુક્ત કરાવ્યા હતા. આ મામલે એક આરોપીની ધરપકડ કરી ઇકો કાર સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, કચ્છ તરફથી માળિયા થઈ મોરબી અને ત્યારબાદ રાજકોટ તરફ GJ-03-LR-5449 નંબરની ઇકો કારમાં 23 નાના-મોટા ઘેટાંને કતલ કરવાના ઇરાદે લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી. જેના આધારે ગૌરક્ષકો વોચમાં રહ્યા હતા.
બાતમી મુજબની કાર માળિયાથી પસાર થતાં તેનો પીછો કરી લક્ષ્મીનગર નજીક પોલીસના સહયોગથી વાહનને અટકાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ઘેટાંને ક્રૂરતાપૂર્વક બાંધીને વાહનમાં ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.પૂછપરછ દરમિયાન વાહનચાલકે કેટલાક ઘેટાં મોરબીના શક્તિચોક વિસ્તારમાં ઉતારવાના અને બાકીના રાજકોટ લઈ જવાના હોવાનું જણાવ્યું હતું. તેમજ પશુઓના પરિવહન માટે જરૂરી કોઈપણ પ્રકારની પરમિટ અથવા દસ્તાવેજ તેની પાસે ન હોવાનું પણ જાણવા મળ્યું હતું.આથી પોલીસે એક આરોપીની ધરપકડ કરી ઇકો કાર કબજે લીધી હતી અને તમામ 23 ઘેટાંને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સમગ્ર કાર્યવાહી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ (દિલ્હી-ગુજરાત), હિન્દુ યુવા વાહિની તથા કચ્છના ગૌરક્ષકોના સહયોગથી સફળ બની હતી.






