UPSC, GPSC સહિતની પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવા રોજગાર વિનિમય કચેરી અને ITI મોરબીના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૮ જુલાઈએ શનાળા રોડ પરના ‘શિવ હોલ’ ખાતે વિશેષ આયોજન.
મોરબી જીલ્લાના સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તેજસ્વી યુવાનોને ઘરઆંગણે સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને નિયામક મોરબી જીલ્લા રોજગાર વિનિમય કચેરી અને મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧૮/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે “UPSC/GPSC તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે કારકિર્દી વિષયક માર્ગદર્શન સેમિનાર” યોજાનાર છે.
મોરબીમાં શિવ હોલ શનાળા રોડ ખાતે યોજાનાર આ મેગા કરિયર સેમિનારમાં મોરબી જીલ્લા રોજગાર કચેરીના વિષય નિષ્ણાત કર્મચારીઓ અને કેરિયર કાઉન્સિલર્સ દ્વારા દેશ અને રાજ્ય સ્તરની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વૈજ્ઞાનિક ઢબે તૈયારી કરવા, અભ્યાસક્રમની સમજ અને પરીક્ષા પાસ કરવાની વ્યૂહરચના વિશે વિસ્તૃત તેમજ સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
મોરબી જીલ્લાના તમામ ઈચ્છુક યુવા ઉમેદવારોને નિયત તારીખે અને સમયે આ સેમિનારમાં અચૂક ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ અગાઉ રોજગાર વિનિમય કચેરી ખાતે પોતાની નામ નોંધણી નથી કરાવી તેઓ પણ આ માર્ગદર્શન શિબિરમાં પ્રત્યક્ષ હાજર રહીને સેવાનો નિઃશુલ્ક લાભ મેળવી શકશે તેમ મોરબી જીલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






