કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને રોડ નેટવર્ક, ઝોનિંગ, ટ્રાફિક, પર્યાવરણ અને ટકાઉ શહેરી વિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા
મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજના માટે યોજાયેલી સ્ટેકહોલ્ડર બેઠકમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ પાસેથી સૂચનો અને અભિપ્રાયો મેળવી તેને કાયદાકીય જોગવાઈઓને અનુરૂપ વિકાસ યોજનામાં સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ (MWUDA)ની મુસદ્દારૂપ વિકાસ યોજના તૈયાર કરવાની કામગીરીના ભાગરૂપે જીલ્લા કલેક્ટર તથા મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સ્ટેકહોલ્ડર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકની શરૂઆતમાં ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી કંપની લિમિટેડ (GTPCL) દ્વારા વિકાસ યોજના અંતર્ગત અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરી તમામ ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારના સુઆયોજિત અને સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી ભવિષ્યના રોડ નેટવર્ક, ઝોનિંગ, ટ્રાફિક વ્યવસ્થાપન, જાહેર પરિવહન, પર્યાવરણ સંરક્ષણ, ટ્રાન્સપોર્ટ નગર, પ્રવાસન વિકાસ, સામાજિક માળખાકીય સુવિધાઓ તેમજ મહાનગરપાલિકામાં નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોના ટકાઉ શહેરી વિકાસ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત સ્ટેકહોલ્ડર્સ પાસેથી સૂચનો અને અભિપ્રાયો મેળવી વિકાસ યોજનામાં તેનો સમાવેશ કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જીલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન પ્રાપ્ત થયેલા સૂચનો અને અભિપ્રાયોને પ્રવર્તમાન કાયદા, નિયમો તથા આયોજનના સિદ્ધાંતોને અનુરૂપ યોગ્ય રીતે ચકાસી મુસદ્દારૂપ વિકાસ યોજનાની આગામી પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવશે. સાથે જ વિકાસ યોજનાની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકના મેયર ઉત્તમભાઈ સુરાણી, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબિયા, મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, નાયબ કમિશનર તથા મુખ્ય નગર નિયોજક સંજયકુમાર સોની સહિતના અધિકારીઓ તેમજ વિવિધ ઉદ્યોગ, વેપાર અને અન્ય એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.






