ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા પોરબંદર–જેતપુર રાષ્ટ્રીય રાજમાર્ગ (NH-27)ના ઉપલેટા સેક્શનમાં ગણોદ ગામથી ઉપલેટા સુધી રાષ્ટ્રીય રાજમાર્ગની રાઇટ ઑફ વે (ROW)માં થયેલા ગેરકાયદેસર અતિક્રમણો સામે વિશેષ અભિયાન હાથ ધરી સફળતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવી હતી.
અભિયાન દરમિયાન રાષ્ટ્રીય રાજમાર્ગની જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા હોટલો, ઢાબાઓ, ચાના સ્ટોલ, દુકાનો, કમ્પાઉન્ડ વોલ તેમજ અન્ય કાચા અને પાકા બાંધકામોને નિયમ મુજબ દૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ કરવામાં આવી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.
NHAI દ્વારા જણાવાયું હતું કે કાર્યવાહી પહેલાં તમામ અતિક્રમણકારોને નિયમ મુજબ નોટિસો આપવામાં આવી હતી તેમજ સ્વૈચ્છિક રીતે અતિક્રમણ દૂર કરવાની પૂરતી તક પણ આપવામાં આવી હતી. તેમ છતાં નિર્ધારિત સમયમર્યાદામાં અતિક્રમણ દૂર ન થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ વિશેષ અભિયાન ઇન્સિડન્ટ મેનેજમેન્ટ ટીમ (IMT) દ્વારા ઉપલેટા પોલીસના સહયોગથી હાથ ધરાયું હતું. અભિયાન દરમિયાન NHAIના અધિકારીઓ, ઇન્ડિપેન્ડન્ટ એન્જિનિયર (IE) ટીમ, પ્લાઝા મેનેજર, IMT મેનેજર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહી સમગ્ર કામગીરીનું સંકલન કર્યું હતું.
NHAIએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય રાજમાર્ગની રાઇટ ઑફ વે (ROW)ની જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર અતિક્રમણ સ્વીકાર્ય નથી. માર્ગ સુરક્ષા, અવરોધમુક્ત વાહનવ્યવહાર, ઇમરજન્સી સેવાઓની સરળ ઉપલબ્ધતા અને રાષ્ટ્રીય સંપત્તિના સંરક્ષણ માટે આવા અભિયાનો આગળ પણ નિયમિત રીતે ચાલુ રહેશે. જરૂર પડ્યે ગેરકાયદેસર અતિક્રમણ કરનારાઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગેની માહિતી NHAIના પ્રોજેક્ટ મેનેજર મુકેશ કુમારે એક યાદીમાં આપી હતી.






