અલગ-અલગ હપ્તામાં રકમ મેળવી, પૈસા પરત ન આપતા એક સામે ગુનો નોંધાયો.
મોરબીના એક પ્રૌઢે ભંગારના કારખાનામાં ભાગીદાર બનાવવાની લાલચમાં અલગ-અલગ સમયે કુલ રૂ.૧.૧૩ કરોડ આપ્યા બાદમાં ભાગીદાર ન બનાવતા તેમજ રૂપિયા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે એક આરોપી સામે છેતરપીંડી, વિશ્વાસઘાત અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરબીના આલાપ પાર્ક શેરી નં.૧માં રહેતા ૫૦ વર્ષીય સંજયભાઈ અંબારામભાઈ સાણંદીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, કુટુંબીક ઓળખાણ ધરાવતા આરોપી ગૌરવભાઈ જયંતીલાલ ડઢાણીયા રહે. આલાપ પાર્ક શેરી નં.૩એ અમરેલી ખાતેના ભંગારના કારખાનામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી. આરોપીએ કારખાનાના ભંગારના સોદામાં સારો નફો મળશે તેમ કહી ફરિયાદી પાસેથી ડિસેમ્બર-૨૦૨૪થી જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન અલગ-અલગ હપ્તામાં કુલ રૂ.૧.૧૩ કરોડ લીધા હતા.
બાદમાં ધંધામાં ભાગીદાર ન બનાવતા ફરિયાદીએ હિસાબ અને રોકાણની વિગતો માંગતાં આરોપી ગૌરવભાઈએ રૂપિયા પરત આપી દેવાની ખાતરી આપ્યા બાદ પણ રકમ પરત ન આપતા અને અંતે રૂપિયા માંગવા આરોપી ગૌરવભાઈના ઘરે જતાં આરોપીએ “તારાથી થાય તે કરી લે, રૂપિયા નહીં આપું” કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ સમગ્ર ઠગાઈ અને ધમકી આપવાની આપેલ ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી ગૌરવભાઈ જયંતીલાલ ડઢાણીયા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) અને ૩૫૧(૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






