મોરબી: શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે મોરબી મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. મનપા કમિશનર સંગીતા રૈયાણી, મેયર ઉતમ સુરાણી તેમજ ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓએ શહેરના નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
મનપાની ટીમ દ્વારા જ્યાં પણ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ત્યાં તાત્કાલિક પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે.મનપા કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે જો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો લોકોને સલામત સ્થળે ખસેડવા માટે શહેરની 15 શાળાઓમાં શેલ્ટર હોમની વ્યવસ્થા તૈયાર રાખવામાં આવી છે. ઉપરાંત અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે ફૂડ પેકેટ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.મહાનગરપાલિકાએ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.






