માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામ નજીક હળવદ-માળીયા હાઈવે ઉપર અચાનક ગાય આડી ઉતરતાં બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. અકસ્માતમાં બાઈક ચલાવતા શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા યુવકને માથામાં પાંચ ટાંકા સહિત ઇજાઓ પહોંચી હતી. સમગ્ર બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે મૃતક બાઈક ચાલક વિરુદ્ધ માળીયા(મી) પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મધ્યપ્રદેશના સાગર જીલ્લાના બંડા તાલુકાના કેથોરા ગામના રહેવાસી અને હાલ હળવદ નજીક વેલ્વીન લેમિનેટ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ધનસીંગ વૃજલાલ આહિરવાર ઉવ.૨૨એ માળીયા(મી) પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ૨૬ જુલાઈએ ફરિયાદી ધનસીંગને તાવ આવતાં તેઓ સાથી શ્રમિક જગતપ્રસાદસીંગ રામમનીસીંગ ગોંડ મુળ રહે.બુચરવ ગામ તા.બુહારી જી.શહડોલ વાળા સાથે મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-એએચ-૩૧૫૮ ઉપર માળીયા દવાખાને જઈ રહ્યા હતા. ત્યારે બપોરે ખાખરેચી ગામ નજીક હાઈવે પર અચાનક ગાય આડી ઉતરતાં ચાલક જગતપ્રસાદસીંગે બ્રેક મારતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું.
અકસ્માતમાં પાછળ બેઠેલા ધનસીંગને માથામાં પાંચ ટાંકા તથા હાથ-પગે ઇજાઓ થઈ હતી, જ્યારે ચાલક જગતપ્રસાદસીંગને માથામાં ગંભીર ઈજા પહોંચતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૨૭ જુલાઈએ તેનું મોત નીપજ્યું હતું. હાલ બનાવ અંગે માળીયા(મી) પોલીસે મૃતક બાઈક ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






