વાવેતર કરીને જમીનમાંથી આર્થિક ઉપજ મેળવનાર વિરુદ્ધ ગુનો દાખલ: કલેક્ટરના આદેશ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ
ટંકારા તાલુકાના ગણેશપર ગામે ખરીદેલી પાંચ વિઘા ખેતીની જમીન પર ગેરકાયદે કબજો કરી વાવેતર કરનાર શખ્સ સામે ટંકારા પોલીસ મથકમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટમાં જુના મોરબી રોડ આર.કે. ડ્રીમલેન્ડ એ વિગ્સ બ્લોક નં.૩૦૨માં રહેતા રહેવાસી દમયંતીબેન કૈલાશભાઈ દેવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે જાન્યુઆરી-૨૦૨૫માં ટંકારા તાલુકાના વીરવાવ/ગણેશપર ગામે સર્વે નં. ૫૬૯ પૈકીની આશરે પાંચ વિઘા ખેતીની જમીન કાયદેસર દસ્તાવેજથી ખરીદી હતી. જોકે અગાઉના માલિકના કુટુંબી આરોપી આલજીભાઈ અમરાભાઈ ચાવડા રહે. વિરવાવ(ગણેશપર) વાળાએ જમીનનો કબજો ખાલી ન કરી તેમાં વાવેતર કરીને આર્થિક ઉપજ મેળવી જમીન પચાવી પાડી હતી. ફરિયાદી અરજદાર દ્વારા અગાઉ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ અંગે અરજી કરવામાં આવી હતી. જે બાદ મોરબી જીલ્લા કલેક્ટરના આદેશ બાદ ટંકારા પોલીસે આરોપી આલજીભાઈ ચાવડા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






