બી ડિવિઝન પોલીસે રૂ.૫ લાખની બોલેરો સહિત સાઉન્ડ સિસ્ટમ કબજે કરી.
મોરબી શહેરના ઉમા ટાઉનશીપ-અનંતનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગે રહેણાંક વિસ્તારમાં રાત્રીના સમયે પરવાના વગર ઊંચા અવાજે ડીજે વગાડી લોકોની શાંતિમાં ખલેલ પહોંચાડતા ડીજે સંચાલક અને લગ્ન પ્રસંગના આયોજક સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ ગત તા. ૬/૦૮ની રાત્રે મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ બંગલો અનંતનગર પાસે રોડ ઉપર જાહેરમાં જોરશોરથી ડીજે વગાડવામાં આવતું હોવાની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસ ટીમ રાત્રે સ્થળ પર પહોંચી હતી. જ્યાં પોલીસે તપાસ કરતાં મહેન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ રજી.નં. જીજે-૩૬-ટી-૪૩૭૦માં સાઉન્ડ સિસ્ટમ લગાવી ખૂબ ઊંચા અવાજે ડીજે વગાડવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
જેથી પોલીસે ડીજે સંચાલક ભંકેશ્વરસિંહ ધન્નાસિંહ પવાર ઉવ.૩૮ રહે.નકલંક પાર્ક ગોકુલનગર મકનસ૨ તા.જી.મોરબી તથા લગ્ન પ્રસંગના આયોજક તરીકે પ્રવિણભાઈ ચકુભાઈ પંસારા ઉવ.૪૦ રહે.ભીમસર વિસ્તાર વેજીટેબલ રોડ મોરબી વાળાએ ડીજે વગાડવા માટે કોઈ પરવાનો મેળવ્યા વગર જાહેર રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં મોટા અવાજે ડીજે વગાડી લોકોની શાંતિમાં ખલેલ પહોંચાડી ત્રાસદાયક કૃત્ય કરવા બદલ રૂ.૫ લાખની કિંમતની બોલેરો ગાડી કબ્જે લઈ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૭૦ તથા જીપી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






