ગણતરીના દિવસોમાં બે આરોપીઓ ઝડપાયા: સોના-ચાંદીના દાગીના, રોકડ અને ચોરીમાં વપરાયેલ પલ્સર સહિત રૂ.૫.૪૨ લાખનો મુદ્દામાલ કબજે.
વાંકાનેરના વઘાસીયા ગામ અને ટંકારામાં એક જ રાત્રે થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ મોરબી ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી લીધા છે. આ સાથે આરોપીઓ પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તથા નંબર પ્લેટ વગરનું પલ્સર મોટરસાયકલ સહિત કુલ રૂ.૫.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
વાંકાનેર સીટી અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા.૪-૫ ઓગસ્ટની રાત્રે બે અલગ-અલગ રહેણાંક મકાનોમાં ઘરફોડ ચોરી થઈ હતી. વાંકાનેરના જુના વઘાસીયા ગામે ચોરોએ મકાનનું લોક તોડી કબાટમાંથી સોનાની ચેન, કાપ, વીંટી, દાણા, કડી, ચાંદીના સાકળા અને રૂ.૧.૩૫ લાખ રોકડા મળી કુલ રૂ.૧.૭૧ લાખની ચોરી કરી હતી. જ્યારે ટંકારા ડેરીનાકા રોડ વિસ્તારમાંથી સોનાની બુટી, ચાંદીના સાકળા, ચાંદીના સિક્કા અને રૂ.૧૦ હજાર રોકડ મળી કુલ રૂ.૯૮,૩૦૫/-ની માલમતા ચોરાઈ હતી.
ઉપરોક્ત બંને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા મોરબી ક્રાઇમ બ્રાંચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ માધ્યમ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. દરમિયાન અમદાવાદ-રાજકોટ હાઇવે પર વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ નીચે વાહન ચેકિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરનું પલ્સર મોટરસાયકલ પર સવાર બે શખ્સો ચોરીનો મુદ્દામાલ લઈને રાજકોટ તરફ જવાના છે. બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે નંબર પ્લેટ વગરના પલ્સર પર સવાર બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચોરીના સોના-ચાંદીના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડ રકમ મળી આવતા બંનેની સઘન પૂછપરછ કરતા આરોપીઓએ વાંકાનેર અને ટંકારાની ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી.
જેથી પોલીસે આરોપી જયસીંઘ ઉર્ફે રાણા શેરાસીંધ બાવરી ઉવ.૨૨ રહે. દંતેશ્વર વડોદરા અને આરોપી અર્જુનસીંઘ હીરાસીંઘ પટવાઇ ઉવ.૧૯ રહે. બાવળા અમદાવાદ વાળાની અટકાયત કરી હતી. પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે વાંકાનેરમાં થયેલ ચોરીમાં સોનાનો કાપ, વીંટી, સોનાના દાણા, ચાંદીના સાકળા અને નવુ બજાજ પલ્સર મોટરસાયકલ સહિત રૂ.૪.૩૯ લાખનો મુદ્દામાલ તથા ટંકારાના ગુનામાંથી સોનાની બુટી, ચાંદીના સાકળા, ચાંદીના સિક્કા અને રૂ.૧૦ હજાર રોકડા સહિત રૂ.૧.૦૩ લાખ સહિત બંને ગુનાનો મળીને કુલ રૂ.૫.૪૨ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.
પકડાયેલ બંને આરોપીઓ રાત્રિના સમયે પોતાના રહેણાંક વિસ્તારથી દૂર અન્ય જીલ્લામાં મોબાઇલ ફોન વગર અને નંબર પ્લેટ વગરના મોટરસાયકલ ઉપર નીકળતા હતા. અને બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવી તાળા તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કર્યા બાદ અન્ય રસ્તેથી પોતાના વતન તરફ નાસી જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. હાલ બંને આરોપીઓને વાંકાનેર સીટી પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યારે ટંકારા ગુનાનો મુદ્દામાલ ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સાથે મોરબી પોલીસે પ્રજાજોગ સંદેશ સાથે અપીલ કરી છે કે, મકાન બંધ કરી બહાર જતા સમયે કિંમતી દાગીના અને રોકડ સુરક્ષિત લોકર અથવા બેંકમાં રાખવા, લાંબા સમય માટે બહાર જવાનું હોય તો વિશ્વાસુ પાડોશી અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા તેમજ મકાન અને સોસાયટી વિસ્તારમાં સીસીટીવી તથા જરૂરી હોય ત્યાં ખાનગી સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા રાખવા પોલીસે લોકોને અપીલ કરી છે.






