મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન-જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી રવાપર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડી નસીબ આધારિત ગંજીપત્તાના પાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા કુલ સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ,મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે મોરબીના રવાપર ધનુડા રોડ પર આવેલી રવાપર રેસિડેન્સીના ગાર્ડન પેલેસ બ્લોક નં.503ના ભાડાના ફ્લેટમાં જગદીશભાઈ વાલજીભાઈ દેવાયતકા બહારથી માણસો બોલાવી ભેગા કરી જુગાર રમાડે છે અને નાલ ઉઘરાવે છે.
આ બાતમીના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ફ્લેટમાં દરોડો પાડતા ત્યાં ગંજીપત્તાના પાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા સાત શખ્સો જગદીશભાઈ વાલજીભાઈ દેવાયતકા, વૈભવભાઈ નરભેરામભાઈ કકાસણીયા, અમરશીભાઈ પરસોતમભાઈ બારૈયા, જયદીપભાઈ કેશવજીભાઈ અમૃતિયા, કાંતીલાલભાઈ રેવાભાઈ ગામી, જયેશભાઈ પરસોતમભાઈ દલસાણીયા અને અદમતભાઈ કાંધતલાલ દેત્રોજા મળી આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી રૂ.1,21,600ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






