અદિતિબા જાડેજા ગોળાફેંકમાં જીલ્લા પ્રથમ: યદુનંદન ગૌશાળામાં રક્ષાબંધન, વૃક્ષોને રાખડી અને ૧૦૦ ફૂટની વિશાળ રાખડીથી અનોખી ઉજવણી.
મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના હેતુથી રમતગમત, માનવતા, ભારતીય સંસ્કાર અને પર્યાવરણ જાગૃતિ સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. સાથે શિક્ષકો માટે શૈક્ષણિક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થિની અદિતિબા જાડેજાએ જીલ્લા કક્ષાની ગોળાફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી હવે રાજ્ય કક્ષાએ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે રક્ષાબંધન નિમિત્તે ધોરણ ૭ અને ૮ની વિદ્યાર્થિનીઓ દ્વારા યદુનંદન ગૌશાળા ખાતે વડીલો અને જરૂરિયાતમંદ ભાઈઓને રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી માનવતાભર્યું પર્વ ઉજવાયું હતું. નવયુગ સંકુલમાં વિદ્યાર્થીઓએ વૃક્ષોને રાખડી બાંધી તેમના જતન-સંરક્ષણનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફના સહયોગથી તૈયાર કરાયેલી ૧૦૦ ફૂટ લાંબી વિશાળ રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
નવયુગ કોલેજના બીએસસી વિભાગ દ્વારા પર્યાવરણમૈત્રી રક્ષાબંધનના હેતુથી ‘Seed Embedded Rakhi Making Competition’ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ગોબર, માટી અને કુદરતી સામગ્રીમાંથી બીજ ધરાવતી રાખડીઓ બનાવી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત શિક્ષકો માટે યોજાયેલા સેમિનારમાં જીલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતા તથા સૂચિતભાઈ પ્રજાપતિએ ગુણવત્તાયુક્ત શિક્ષણ, શિક્ષકની બદલાતી ભૂમિકા, શિસ્ત, સંસ્કાર અને નવીન શૈક્ષણિક અભિગમ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તમામ પ્રવૃત્તિઓ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.






