મોરબી: ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મોરબી તાલુકા પોલીસે CEIR પોર્ટલની મદદથી આશરે રૂ.૧૦.૩૮ લાખની કિંમતના ૩૮ જેટલા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને એક સાથે પોલીસ મથકે બોલાવી પરત સોંપ્યા હતા.
મોરબી તાલુકા પોલીસ દ્વારા પ્રજાલક્ષી કામગીરીના ભાગરૂપે ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના સુપરવિઝન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પો.કોન્સ. અજયસિંહ અનિરૂધ્ધસિંહ દ્વારા CEIR પોર્ટલમાં મોબાઈલની એન્ટ્રી કરી સતત મોનિટરિંગ તથા ટેક્નિકલ વર્કઆઉટ કરવામાં આવ્યું હતું. જે બાદ સર્વેલન્સ સ્ટાફની મહેનતના પરિણામે કુલ ૩૮ મોબાઈલ ફોન કિ.રૂ.૧૦,૩૮,૮૦૦/- શોધી કાઢવામાં આવ્યા હતા.
મળી આવેલા તમામ મોબાઈલ ફોન નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના હસ્તે અરજદારોને પરત સોંપવામાં આવ્યા હતા. ત્યારે આ કામગીરી દ્વારા મોરબી તાલુકા પોલીસે ‘પોલીસ પ્રજાની મિત્ર છે’ તે સૂત્રને સાર્થક કરી સુરક્ષા અને સેવાના ઉત્તરદાયિત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.






