કોપર કેબલનો ભંગાર આપવાની લાલચ આપી બે વેપારીઓ પાસેથી બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા: પૂર્વઆયોજિત કાવતરું રચી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઇ.
મોરબીના ભંગારના વેપારી પાસેથી કોપર કેબલનો ભંગાર વેચવાના બહાને રૂ.૯.૪૮ લાખ તથા અન્ય વેપારી પાસેથી રૂ.૬.૫૦ લાખ મળી કુલ રૂ.૧૫.૯૮ લાખ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી ભંગાર નહીં આપી ઠગાઈ કરવામાં આવી હોવાની મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ સાથે પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં તુલસી પાર્કમાં રહેતા મૂળ રાજસ્થાનના રાજસમંદ જીલ્લાના ગુગલી ગુર્જરો કા ઓડાના વતની અને મહેન્દ્રનગર ખાતે ‘ધરતી સ્ક્રેપ ટ્રેડિંગ’ નામે ભંગારનો વેપાર કરતા હરીલાલ વિરૂજી ગુર્જરે મોરબી સાયબર પોલીસ મથકમાં આરોપી નિતેષભાઈ લાભુભાઈ દેવીપૂજક રહે. ઇન્દિરાનગર મોરબી-૨, ઈરફાનભાઈ રહે. નાના ખીજડીયા તા.ટંકારા, કોટક મહિન્દ્રા બેંક ખાતા નં. ૯૦૫૦૩૫૪૩૪૭ના ધારક, ઈમ્તિયાઝભાઈ તથા મયુરભાઈ વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં જાહેર કર્યું કે, કોપર કેબલનો ભંગાર વેચવાનો હોવાનું કહી આરોપી નિતેષભાઈ લાભુભાઈ દેવીપૂજક અને ઈરફાનભાઈએ તેમને તથા અન્ય ભંગારના વેપારી અંકિતભાઈ વિકાણીને વિશ્વાસમાં લીધા હતા અને કચ્છના માતાના મઢ પાસે પવનચક્કીની કંપનીમાં આશરે બે ટન કોપર કેબલનો ભંગાર હોવાનું જણાવી મહાલક્ષ્મી એન્ટરપ્રાઇઝના નામે બેંક ખાતામાં RTGSથી પેમેન્ટ કરવાનું જણાવાયું હતું.
જે બાદ તા.૦૬ જુલાઈના રોજ ફરિયાદી હરીલાલ ગુર્જરે પોતાની પેઢીના ખાતામાંથી કોટક મહિન્દ્રા બેન્કના ખાતામાં રૂ.૯,૪૮,૭૨૦/- ટ્રાન્સફર કર્યા હતા, જ્યારે વેપારી અંકિતભાઈએ અગાઉ રૂ.૬,૫૦,૦૦૦/- ટ્રાન્સફર કર્યા હતા. આમ કુલ રૂ.૧૫,૯૮,૭૨૦/- ચૂકવ્યા છતાં કોપરનો ભંગાર આપવામાં આવ્યો નહોતો. જેમાં આરોપી ઇરફાનભાઈએ કબૂલાત આપી હતી કે, તમારી સામે આ પૂર્વાયોજિત કાવતરૂ રચવામાં આવ્યું હતું. હાલ મોરબી સાયબર ક્રાઇમ પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.






