૨૦% વ્યાજે લીધેલ રૂ.૨૯.૭૦ લાખના રૂ.૨.૦૫ કરોડ ચૂકવ્યા છતાં રૂ.૫૦ લાખની ઉઘરાણી કરનાર વ્યાજખોર પિતા-પુત્ર સામે ફરિયાદ.
ટંકારા તાલુકાના નેકનામ ગામના ચાની હોટલના વેપારીએ દીકરા-દીકરીના લગ્ન અને મકાનના રીનોવેશન માટે વર્ષ ૨૦૨૧માં ગામના વ્યાજખોર પિતા-પુત્ર પાસેથી રૂ.૨૯.૭૦ લાખ ૨૦ ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં અત્યાર સુધીમાં રૂ.૨.૦૫ કરોડ ચૂકવ્યા હોવા છતાં વધુ રૂ.૫૦ લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની સતત ધમકી આપવામાં આવતી હતી. જે ત્રાસથી કંટાળીને વેપારીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ ટંકારા પોલીસે બન્ને વ્યાજખોર સામે બીએનએસ તથા નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નેકનામ ગામના લીંબાભાઈ માંડાભાઈ લામકા ઉવ.૪૬એ ટંકારા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૪માં દીકરા-દીકરીના લગ્ન અને મકાનના રીનોવેશન માટે ગામના રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા દેવુભા ઝાલા પાસેથી રૂ.૨૯.૭૦ લાખ ૨૦ ટકા વ્યાજે લીધા હતા. જે ૨૯.૭૦ લાખ સામે વ્યાજ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ.૨.૦૫ કરોડ ચૂકવ્યા હોવા છતાં વધુ નાણાંની માંગણી કરવામાં આવી હતી. સતત વ્યાજ અને મુદલની ઉઘરાણીને લઈ ફરિયાદીએ દાગીના વેચી, ઇકો કાર પર લોન મેળવી તેમજ સગા-સંબંધીઓ પાસેથી નાણાં લઈ તમામ રૂપિયા ચૂકવી દીધા હોવા છતા આરોપી રાજેન્દ્રસિંહ અને તેનો પુત્ર વિક્રમસિંહ હજુ રૂ.૫૦ લાખ આપવાના હોવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. ઉઘરાણી અને ધમકીથી કંટાળીને ફરિયાદી લીંબાભાઈએ ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સારવાર બાદ તબિયત સુધરતાં રજા આપવામાં આવતા તેઓએ ટંકારા પોલીસ મથકમાં બંને વ્યાજખોર વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા, સમગ્ર મામલે ટંકારા પોલીસે આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા ઝાલા અને વિક્રમસિંહ ઝાલા વિરુદ્ધ મનીલેન્ડર્સ એક્ટની કલમ તથા બીએનએસ કલમ હેઠ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.






