હોટલેથી વસ્તુ લઈને રોડ ક્રોસ કરતી વખતે ધ્રાંગધ્રા તરફથી આવેલા વાહને ઠોકર મારી: અકસ્માત બાદ વાહનચાલક ફરાર.
હળવદ તાલુકાના કવાડિયા ગામની રેલવે ફાટક સામે ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પર અજાણ્યા વાહનની ઠોકરે મૂળ હિંમતનગર તાલુકાના ૩૯ વર્ષીય શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદને આધારે આરોપી વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હિંમતનગર તાલુકાના વગડી ગામના સેતાનસિંહ સોમસિંહ મકવાણા ઉવ.૩૯ છેલ્લા દોઢેક વર્ષથી મોરબી આસપાસના સન્માઇકા કારખાનામાં મજૂરી કામ કરતા હતા. ત્યારે ગત તા. ૧૬/૦૯/૨૦૨૬ના રાત્રિના આશરે પોણા આઠ વાગ્યાના અરસામાં તેઓ કવાડિયા ગામની રેલવે ફાટક સામે આવેલી હોટલેથી વસ્તુ લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન ધ્રાંગધ્રા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવેલા અજાણ્યા વાહનચાલકે તેમને હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ આરોપી અજાણ્યો વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. અકસ્માત સમયે મૃતકની ઓળખ થઈ ન હોવાથી મોરબી પોલીસ દ્વારા મૃતકના ફોટોગ્રાફ જાહેર કર્યા હોય જેને આધારે મૃતકના ભાઈ ધુળસિંહ સોમસિંહ મકવાણા તથા પરિવારજનોએ હળવદ સરકારી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે લાશની ઓળખ કરી હતી. ત્યારે આ બનાવ અંગે મૃતકના ભાઈ ધુળસિંહ મકવાણાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા એમવી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






