વાંકાનેરમાં પીર મશાયખા સાર્વજનિક હોસ્પિટલ સામે રોડ ક્રોસ કરી રહેલા ૭૦ વર્ષીય વૃદ્ધને પુરઝડપે આવેલ મોટરસાયકલના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ મોટરસાયકલ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું.
વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા અમરશીભાઈ ભલાભાઈ ખમાણી ઉવ.૭૦ ગત તા.૧૫/૦૯ના રોજ સવારે ગાયનો ખોળ લેવા વાંકાનેર ગયા હતા. દરમિયાન પીર મશાયખા સાર્વજનિક હોસ્પિટલ સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે જીજે-૦૩-પીક્યુ-૫૦૨૦ નંબરના મોટરસાયકલના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી પોતાનું વાહન ચલાવી તેમને અડફેટે લીધા હતા. અકસમાતમાં અમરશીભાઈને હાથ તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં પ્રથમ વાંકાનેરની પીર મશાયખા હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત તા.૧૭/૦૯ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર નવઘણભાઈ અમરશીભાઈ ખમાણી ઉવ.૨૭ રહે.જાલી તા.વાંકાનેર વાળાએ મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






