મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ૯ ઓક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો પર વિનામૂલ્યે નોંધણી.
મોરબી જીલ્લાના ખેડૂતોને તેમના ખરીફ પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા. ૧૦ સપ્ટેમ્બરથી તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ગ્રામ્ય કક્ષાના ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે.
વર્ષ ૨૦૨૬-૨૭ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૭,૫૧૭/-, મગનો રૂ. ૮,૭૮૦/-, અડદનો રૂ. ૮,૨૦૦/- અને સોયાબીનનો રૂ. ૫,૭૦૮/- પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત છે. ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે VCE મારફતે L1 POS મશીનથી થમ્બ પ્રિન્ટ અથવા ફેસિયલ ઓથેન્ટિકેશન દ્વારા બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશનથી નોંધણી કરવામાં આવશે. નોંધણી ભારત સરકારના PM-AASHA Procurement Portal પર કરવામાં આવી રહી છે.
ખેડૂતોના ફાર્મર રજીસ્ટ્રેશનમાં સમાવિષ્ટ તમામ સર્વે નંબરોનો વિસ્તાર નોંધણી વખતે ધ્યાને લેવામાં આવનાર હોવાથી ખેડૂતોને સમયસર ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી તેમાં પોતાના તમામ સર્વે નંબરોનો સમાવેશ કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી જીલ્લાના ખેડૂતોને નિર્ધારિત સમયમર્યાદામાં નજીકના ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી યોજનાનો લાભ લેવા જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.






