ફળપાકમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને બહુસ્તરીય વાવેતર માટે ૩૦ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
મોરબી જીલ્લાના બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન સરકારના બાગાયત વિભાગ દ્વારા બે સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ લેવા માટે તા. ૧૮ સપ્ટેમ્બરથી તા. ૩૦ સપ્ટેમ્બર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન અરજી કરી શકાશે.
બાગાયત વિભાગ દ્વારા ‘ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ’ અને ‘બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ’ હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવનાર છે. લાભ મેળવવા માટે ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરી ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજીમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે. મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે અરજીની નકલ પર સહી સાથે જરૂરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. યોજનાઓ અંગે વધુ માહિતી માટે બાગાયત વિભાગની વેબસાઇટની મુલાકાત લઈ શકાશે.






